કોર્ટે કહ્યું હતું કે આર્મસ્ટ્રૉન્ગના મૃતદેહને નજીકના તિરુવેલ્લોર જિલ્લામાં એક એકરના પ્રાઇવેટ પ્લૉટમાં દફનાવી શકાય.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
બહુજન સમાજ પાર્ટી (BSP)ના તામિલનાડુ એકમના પ્રમુખ કે. આર્મસ્ટ્રૉન્ગની શુક્રવારે ચેન્નઈમાં તેમના ઘર પાસે હત્યા કરવામાં આવી હતી, તેમના મૃતદેહને પાર્ટીની ઑફિસમાં દફનાવી ન શકાય એમ મદ્રાસ હાઈ કોર્ટે જણાવ્યું હતું. આમ તામિલનાડુ રાજ્ય સરકારના વલણને કોર્ટે સમર્થન આપ્યું હતું.
કોર્ટે કહ્યું હતું કે આર્મસ્ટ્રૉન્ગના મૃતદેહને નજીકના તિરુવેલ્લોર જિલ્લામાં એક એકરના પ્રાઇવેટ પ્લૉટમાં દફનાવી શકાય. પાર્ટીના સમર્થકો જે અંતિમયાત્રા કાઢે એ પણ શાંતિપૂર્ણ રહેવી જોઈએ.
મૃત્યુ પામનાર આર્મસ્ટ્રૉન્ગનાં પત્ની કે. પોરકોડીએ કોર્ટમાં અરજી કરીને તેમના પતિને પાર્ટીની ચેન્નઈ ઑફિસમાં દફનાવવાની મંજૂરી માગી હતી. અરજદારોએ દલીલ કરી હતી કે ૨૬૦૦ ચોરસ મીટરની જમીનની માલિકી પાર્ટીની છે. જોકે તામિલનાડુ સરકાર વતી હાજર રહેલા વકીલે દલીલ કરી હતી કે આ વિસ્તાર રેસિડેન્શિયલ છે અને ત્યાં આવી પરમિશન ન આપી શકાય. BSP ઑફિસની નજીક બીજી ત્રણ જગ્યા છે જ્યાં તેમને દફનાવી શકાય.

