પશ્ચિમ બંગાળમાં અમિત શાહનો પુનરુચ્ચાર
અમિત શાહ
પશ્ચિમ બંગાળના હાવડામાં ચૂંટણીસભાને સંબોધતી વખતે કેન્દ્રીય પ્રધાન અમિત શાહે પુનરુચ્ચાર કરતાં કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી (BJP)ની સરકાર પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરને પાછું લેવા માટે કટિબદ્ધ છે અને પાકિસ્તાન અમને અટકાવી નહીં શકે.
આ મુદ્દે અમિત શાહે કહ્યું હતું કે ‘શું પાકિસ્તાને પચાવી પાડેલું કાશ્મીર આપણું નથી? મણિશંકર ઐયર અને ફારુક અબદુલ્લા એમ કહીને ડરાવી રહ્યા છે કે પાકિસ્તાન પાસે ઍટમબૉમ્બ છે એથી આપણે પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર વિશે વાત કરવાની જરૂર નથી. રાહુલબાબા, મમતાદીદી, તમે ભલે ગમે એટલાં ગભરાયેલાં હો, પાકિસ્તાને પચાવી પાડેલું કાશ્મીર આપણું છે અને અમે એ પાછું લઈને જ રહીશું.’
ADVERTISEMENT
આપણા કાશ્મીર અને પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર વચ્ચેના વિરોધાભાસની વાત કરતાં અમિત શાહે કહ્યું હતું કે ‘પહેલાં આપણા દેશના કાશ્મીરમાં લોકો વિરોધ-પ્રદર્શન કરતા હતા. કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર બન્યા બાદ અહીં હડતાળ થતી નથી, પણ પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરમાં હવે હડતાળ સામાન્ય બની ગઈ છે. પહેલાં આપણા કાશ્મીરમાં આઝાદીનાં સ્લોગન સાંભળવા મળતાં હતાં અને હવે પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરમાં એ સાંભળવા મળે છે. પહેલાં આપણા કાશ્મીરમાં પથ્થરબાજી થતી હતી અને હવે પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરમાં થઈ રહી છે.’