વાદળ ફાટ્યું ત્યાં ૧૦૦૦ લોકો હતા, કાટમાળ નીચે હજી ૫૦૦ જેટલા લોકો હોવાની આશંકા : જીવતા બહાર આવેલા ઘણા પીડિતોને એ પણ ખબર નહોતી કે ત્યાં શું થઈ ગયું
કિશ્તવાડમાં વાદળ ફાટ્યા પછી સતત ૨૪ કલાકથી બચાવ કામગીરી ચાલી રહી છે
કિશ્તવાડના ચિશોતી ગામમાં ચાર સ્થળે વાદળ ફાટવાની ઘટનામાં આશરે ૬૦ લોકોએ જીવ ગુમાવ્યો છે અને ૧૫૦થી વધારે લોકો ઘાયલ થયા છે. જીવ ગુમાવનારા લોકોમાં મોટા ભાગના એ ભાવિકો હતા જેઓ મચૈલ ચંડી માતાનાં દર્શન કરવા આવ્યા હતા. આ આપદામાં સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યૉરિટી ફોર્સ (CISF)ના બે જવાન પણ શહીદ થયા છે. રાહત અને બચાવકાર્ય મોટા પાયે ચાલી રહ્યું છે.
સ્થાનિકોએ જણાવ્યું હતું કે વાદળ ફાટવાથી આવેલા કાદવના પૂરમાંથી બચાવવામાં આવેલા લોકોના ચહેરા લોહીથી લથપથ હતા, અપાર શારીરિક ઈજાઓનાં નિશાન દેખાતાં હતાં.
ADVERTISEMENT
વાદળ ફાટવાના સ્થળે ૧૦૦૦થી વધુ લોકો હોવાનો અંદાજ છે. સેના, ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સના જવાનો અને સ્થાનિક લોકો કાદવ અને ખડકોના ઢગલામાંથી ઘાયલોને બહાર કાઢવા અને તેમને હૉસ્પિટલોમાં પહોંચાડવા માટે સતત કાર્યરત છે. જીવતા બહાર આવેલા ઘણા પીડિતોને એ પણ ખબર નહોતી કે ત્યાં શું થઈ ગયું.


