વારાણસીની કોર્ટે હિન્દુ ધર્મને સંબંધિત મળતી ઐતિહાસિક રીતે મહત્ત્વની તમામ વસ્તુઓ ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટને સોંપવાનો આદેશ આપ્યો

ફાઇલ તસવીર
વારાણસીની કોર્ટે જ્ઞાનવાપી મસ્જિદના ચાલી રહેલા સર્વે દરમ્યાન હિન્દુ ધર્મને સંબંધિત મળતી ઐતિહાસિક રીતે મહત્ત્વની તમામ વસ્તુઓ ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટને સોંપવાનો બુધવારે આદેશ આપ્યો હતો.
જિલ્લા કોર્ટે એવો પણ આદેશ આપ્યો હતો કે જ્યારે જરૂર પડે ત્યારે ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટ કે આ વસ્તુઓની સુરક્ષા માટે તેમના દ્વારા નીમવામાં આવેલી વ્યક્તિએ આ વસ્તુઓ અદાલતને પૂરી પાડવાની રહેશે.
બેન્ચે જણાવ્યું હતું કે ‘વિવાદાસ્પદ સાઇટ પરથી ઐતિહાસિક કે આર્કિયોલૉજિકલના દૃષ્ટિકોણથી આ કેસમાં પ્રસ્તુત હોય, હિન્દુ ધર્મ અને ઉપાસના પદ્ધતિને સંબંધિત હોય કે આ કેસની હકીકતોને સંબંધિત હોય એવી વસ્તુઓ અને મટીરિયલ્સ ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટ કે તેમના દ્વારા નૉમિનેટ કરવામાં આવેલા કોઈ ઑફિસરને સોંપવામાં આવે. જેઓ આ વસ્તુઓને સલામત રાખશે અને અદાલત કહે ત્યારે તેમણે આ વસ્તુઓને કોર્ટમાં રજૂ કરવાની રહેશે.’
જિલ્લા જજ ડૉ. અજય કૃષ્ણ વિશ્વેશની અદાલતે જ્ઞાનવાપી કેસમાં પક્ષકાર રાખી સિંહની અરજી પર આ ચુકાદો આપ્યો હતો. આ અરજીમાં રાખી સિંહ દ્વારા જ્ઞાનવાપી પરિસરમાં મળી રહેલા અવશેષો અને પુરાવાઓની જાળવણીની માગણી કરવામાં આવી હતી. જિલ્લા જજના આદેશ તેમ જ સુપ્રીમ કોર્ટ-હાઈ કોર્ટની સંમતિ બાદ આર્કિયોલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયાની ટીમ જ્ઞાનવાપીમાં સર્વે કરી રહી છે. વજુસ્થળને છોડીને સંપૂર્ણ પરિસરનો ટીમે ૨૩૫ કલાક સુધી સર્વે કર્યો છે. આર્કિયોલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયાની ટીમે સર્વેની કામગીરી માટે ૫૬ દિવસ લંબાવવાની માગણી કરી હતી. અદાલતે ૨૮ દિવસ માટે મંજૂરી આપી હતી. આ સર્વેમાં બહારની દીવાલ, પશ્ચિમની દીવાલ, ગુંબજ અને છતનો સ્ટડી કરવામાં આવી રહ્યો છે.