આંખોમાં આંસુ, હાથમાં ફોટો : કેદારનાથમાં હેલિકૉપ્ટર-ક્રૅશમાં જીવ ગુમાવનારા પાઇલટની હૃદયસ્પર્શી અંતિમયાત્રા
લેફ્ટનન્ટ કર્નલ પત્નીએ આર્મી-યુનિફૉર્મમાં આપી આખરી વિદાય
કેદારનાથમાં ૧૫ જૂને થયેલા હેલિકૉપ્ટર-ક્રૅશમાં જીવ ગુમાવનારા પાઇલટ, લેફ્ટનન્ટ કર્નલ (નિવૃત્ત) રાજવીરસિંહ ચૌહાણના અંતિમ સંસ્કાર ગઈ કાલે જયપુરના ચાંદપોલ સ્થિત મોક્ષધામ ખાતે કરવામાં આવ્યા હતા. આર્મીમાં ડ્યુટી બજાવતી તેમની પત્ની લેફ્ટનન્ટ કર્નલ દીપિકા ચૌહાણે પતિને પોતાના સંપૂર્ણ ગણવેશમાં અંતિમ વિદાય આપી હતી. અંતિમ વિદાય સમયે લશ્કરી છાવણીમાં એક હૃદયસ્પર્શી દૃશ્ય જોવા મળ્યું હતું હતું. દીપિકાનાં આંસુ અને તેની પીડાથી ભરેલા ચહેરાએ ત્યાં હાજર દરેકના હૃદયમાં આંસુ લાવી દીધાં હતાં.
દીપિકા પતિના મૃતદેહ પાસે ઊભી હતી. તેના હાથમાં પતિની તસવીર હતી. તે વારંવાર આંસુભરી આંખોથી તેના પતિના ફોટોને જોઈ રહી હતી. સેનાના જવાનોએ સલામી આપી હતી અને ભીની આંખોથી ગાર્ડ ઑફ ઓનર આપ્યું હતું.
ADVERTISEMENT
દીપિકાએ કહ્યું કે રાજવીર મારી શક્તિ હતા, તેમણે હંમેશાં દેશ અને પરિવાર માટે કામ કર્યું છે, તેમની વિદાય મારા માટે મોટો આઘાત છે.
ચહેરો બળી ગયો હતો
હેલિકૉપ્ટર-દુર્ઘટનામાં રાજવીરનો ચહેરો ખરાબ રીતે બળી ગયો હતો. એથી અંતિમ સંસ્કાર સમયે તેમનો ચહેરો પરિવારને બતાવવામાં આવ્યો નહોતો. મોટા ભાઈ ચંદ્રવીરે વીંટી અને ઘડિયાળ જોઈને તેના ભાઈની ઓળખ કરી હતી. પરિવારને છેલ્લી વાર રાજવીરનો ચહેરો જોવાની મંજૂરી આપવામાં આવી નહોતી.
૧૫ વર્ષ આર્મીમાં સેવા આપી
રાજવીરસિંહ ચૌહાણે લગભગ ૧૫ વર્ષ સુધી ભારતીય સેનામાં સેવા આપી હતી. શરૂઆતમાં આર્ટિલરી રેજિમેન્ટમાં કામ કર્યા બાદ રાજવીર આર્મીની એવિયેશન વિંગમાં જોડાયા હતા. પઠાણકોટમાં પોસ્ટિંગ દરમ્યાન તેમણે ઘણાં જોખમી મિશનોમાં ભાગ લીધો હતો. સપ્ટેમ્બર ૨૦૨૪માં તેઓ નિવૃત્ત થયા અને ખાનગી ક્ષેત્રની હેલિકૉપ્ટર કંપની આર્યન એવિયેશનમાં પાઇલટનું પદ સંભાળ્યું હતું. રાજવીર પરિવારને આર્થિક મદદ કરવા માટે પાઇલટ તરીકે કામ કરી રહ્યા હતા. તેમની પત્ની લેફ્ટનન્ટ કર્નલ દીપિકા ચૌહાણ પણ ભારતીય સેનામાં પાઇલટ છે. તેમને ચાર મહિના પહેલાં જ જોડિયાં બાળકો થયાં હતાં. રાજવીરના મૃત્યુના સમાચારથી સમગ્ર વિસ્તારમાં શોક છવાઈ ગયો છે.

