દેશના નાગરિકો આ પોર્ટલ પર જઈને શહીદોને ઈ-શ્રદ્ધાંજલિ આપી શકે છે. આ પ્રોજેક્ટ ૨૬મા કારગિલ વિજય દિવસના ભાગરૂપે લોકોને સૈનિકોની બહાદુરી અને બલિદાનથી વાકેફ કરશે
ગઈ કાલ લદ્દાખના દ્રાસમાં કારગિલ વિજય દિવસની પૂર્વસંધ્યાએ ટ્રેડિશનલ પોશાકમાં પોતાનું કૌવત દેખાડતા આઠમા માઉન્ટન ડિવિઝનના જવાનો.
આજે કારગિલ વિજય દિવસ નિમિત્તે ભારતીય સેના ૩ મુખ્ય પ્રોજેક્ટ્સ શરૂ કરશે, જેમાં એક પોર્ટલનો સમાવેશ થાય છે. દેશના નાગરિકો આ પોર્ટલ પર જઈને શહીદોને ઈ-શ્રદ્ધાંજલિ આપી શકે છે. આ પ્રોજેક્ટ ૨૬મા કારગિલ વિજય દિવસના ભાગરૂપે લોકોને સૈનિકોની બહાદુરી અને બલિદાનથી વાકેફ કરશે. અન્ય બે પ્રોજેક્ટ્સ QR કોડ-આધારિત ઑડિયો ઍપ્લિકેશન છે જેના પર લોકો ૧૯૯૯ના કારગિલ યુદ્ધ અને સિંધુ વ્યુપૉઇન્ટ દરમ્યાન લડાયેલા યુદ્ધની વાર્તાઓ સાંભળી શકે છે, જે લોકોને બટાલિક સેક્ટરમાં નિયંત્રણ રેખા (LoC) સુધી જવાની તક આપશે.
કારગિલ વિજય દિવસ દર વર્ષે ૨૬ જુલાઈએ ઊજવવામાં આવે છે. ૧૯૯૯માં આ દિવસે ભારતીય સેનાએ ‘ઑપરેશન વિજય’ સફળ થયું હોવાની જાહેરાત કરી હતી. લગભગ ૩ મહિના લાંબા યુદ્ધ પછી કારગિલનાં બર્ફીલા ઊંચાઈવાળાં સ્થળો જેમ કે ટોલોલિંગ અને ટાઇગર હિલ પર ભારતે પુન: કબજો મેળવ્યો હતો અને વિજયની ઘોષણા કરવામાં આવી હતી.
ADVERTISEMENT
કારગિલ યુદ્ધના શહીદની પત્નીએ પુત્રને IMAમાં મોકલ્યો; કહ્યું કે સ્વાર્થી ન બની શકાય, નેશન ફર્સ્ટ
૧૯૯૯ના કારગિલ યુદ્ધ દરમ્યાન વિનોદ કંવરે ૨૦ વર્ષની નાની ઉંમરે પોતાના પતિને ગુમાવ્યો હતો, પરંતુ આ પીડા તેને તેના એકમાત્ર પુત્રને ભારતીય સેનામાં જોડાવા માટે મોકલતાં રોકી ન શકી.
૪૬ વર્ષનાં વિનોદ કંવરે ગઈ કાલે કહ્યું હતું કે ‘આપણે પહેલાં રાષ્ટ્ર વિશે વિચારવું પડશે અને એનું રક્ષણ કરવું પડશે. આપણે સ્વાર્થી ન બની શકીએ.’
તેજવીરસિંહ રાઠોડ એક વર્ષનો પણ નહોતો જ્યારે તેના પિતા નાઈક ભંવરસિંહ રાઠોડે ૧૯૯૯ની ૧૦ જુલાઈએ પૉઇન્ટ 4700 પર સફળતાપૂર્વક કબજો મેળવ્યો ત્યારે શહીદ થયા હતા. તેજવીર હાલમાં દેહરાદૂનસ્થિત ઇન્ડિયન મિલિટરી ઍકૅડેમી (IMA)માં તાલીમ લઈ રહ્યો છે.
વિનોદ કંવરને જ્યારે પૂછવામાં આવ્યું કે શું તેમણે ક્યારેય પોતાના પુત્રને સેનામાં મોકલવામાં ખચકાટ અનુભવ્યો હતો? ત્યારે તેમણે કહ્યું હતું કે ‘મને ક્યારેય બીજો કોઈ વિચાર આવ્યો નથી. તેજવીર મારા પરિવારમાંથી સેનામાં જોડાનારી ત્રીજી પેઢી હશે. મારા પિતા સૈનિક હતા, મારા પતિએ રાષ્ટ્ર માટે પોતાનું જીવન આપ્યું હતું અને મારો પુત્ર પણ રાષ્ટ્રની સેવા કરશે.’
રાષ્ટ્રપતિભવન હવે દિવ્યાંગ-ફ્રેન્ડ્લી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપતિ તરીકે ગઈ કાલે ત્રણ વર્ષ પૂરાં થયાં હતાં. આ નિમિત્તે તેમણે સમગ્ર રાષ્ટ્રપતિભવન, અમૃત ઉદ્યાન અને રાષ્ટ્રપતિભવન મ્યુઝિયમને દિવ્યાંગ-ફ્રેન્ડ્લી બનાવડાવ્યું છે.
આ અવસરે તેમણે દિવ્યાંગજનો સાથે મુલાકાત કરી હતી.


