મસ્જિદ તોડી પાડ્યા વિના રસ્તો પહોળો કરવો અશક્ય; સાથે એક દરગાહ, બે નાનાં મંદિરો અને એક સત્સંગ ભવનને પણ જમીનદોસ્ત કરવામાં આવ્યું
ગઈ કાલે જયપુરમાં મસ્જિદ અને એની આસપાસમાં તંત્ર દ્વારા દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે એને પગલે સ્થિતિ તંગ થતાં લોકોનાં ટોળેટોળાં ઊમટી પડ્યાં હતાં.
જયપુરમાં માલવીયાનગરમાં ૧૯૮૧માં બાંધવામાં આવેલી નૂરાની મસ્જિદને જયપુર ડેવલપમેન્ટ ઑથોરિટી (JDA)એ ગેરકાયદે બાંધકામ જાહેર કર્યા બાદ ગઈ કાલે ચુસ્ત પોલીસ-બંદોબસ્ત વચ્ચે તોડી પાડી હતી. ૪૫ વર્ષ જૂની મસ્જિદને તોડી પાડતાં પહેલાં કડક સુરક્ષા-વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. મુંબઈના બાંદરામાં મસ્જિદના તોડકામ વખતે પોલીસ પર હુમલો થયો હોવાથી જયપુરમાં ૩૦૦૦ પોલીસ-કર્મચારીઓને તહેનાત કરવામાં આવ્યા હતા. નૂરાની મસ્જિદ પર બુલડોઝર-કાર્યવાહી પહેલાં સમગ્ર વિસ્તારમાં ફ્લૅગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું.
સમગ્ર વિસ્તારમાં અફવાઓને રોકવા માટે પ્રશાસને રવિવાર મધરાતથી સોમવાર મધરાત સુધી ૨૪ કલાક માટે ઇન્ટરનેટ સર્વિસ બંધ કરી દીધી હતી. અફવાઓને રોકવા માટે 2Gથી 5G મોબાઇલ ઇન્ટરનેટ, બલ્ક SMS અને સોશ્યલ મીડિયા (વૉટ્સઍપ, ફેસબુક, ઍક્સ) સર્વિસ જયપુર ઉત્તર અને પૂર્વના ડઝનેક પોલીસ-સ્ટેશન વિસ્તારોમાં સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી હતી. સુરક્ષાના કારણસર ઑપરેશનવાળા વિસ્તારમાં વીજળીનો પુરવઠો પણ કાપી નાખવામાં આવ્યો હતો અને મીડિયા તથા સામાન્ય લોકોની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો હતો.
ADVERTISEMENT

સ્થિતિ બેકાબૂ ન બને એ માટે વિસ્તારનું ઇન્ટરનેટ બંધ કરવાની સાથે પોલીસે ફ્લૅગ માર્ચ કરી હતી
રેલવેલાઇનના સમાંતર રોડને ૮૦ ફુટ પહોળો કરવાનું મસ્જિદને તોડી પાડ્યા વિના અશક્ય હતું. નૂરાની મસ્જિદની સાથે એક દરગાહ, બે નાનાં મંદિર અને એક સત્સંગ ભવનને પણ તોડી પાડવામાં આવ્યાં હતાં. મસ્જિદના તોડકામ પહેલાં ૧૪૩ જણને નોટિસ આપવામાં આવી હતી અને ૧૩૪ મકાનો પર બાવીસમી મે એ બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.
મસ્જિદ સમિતિએ શું કહ્યું?
પ્રશાસન દ્વારા નૂરાની મસ્જિદ તોડી પાડવાની નોટિસ મોકલવામાં આવી ત્યારથી આ વિસ્તારમાં તનાવપૂર્ણ પરિસ્થિતિ ઊભી થઈ હતી. મસ્જિદ સમિતિનો દાવો છે કે શુક્રવારે રાતે ૮ મેએ તોડકામની નોટિસ રજૂ કરવામાં આવી હતી અને તેમની પાસે પૂરતો સમય નહોતો. આ મસ્જિદ આશરે ૩૯૧ ચોરસ યાર્ડ જમીન પર બનાવવામાં આવી હતી અને છેલ્લાં ૪૫ વર્ષથી નિયમિત પાંચ સમયની નમાજ અહીં અદા કરવામાં આવતી હતી. સમિતિએ દાવો કર્યો હતો કે આ જમીન એક હાઉસિંગ સોસાયટી પાસેથી ખરીદવામાં આવી હતી.
