ભારતીય જનતા પાર્ટી (BJP)ના સાંસદ મેનકા ગાંધી (Maneka Gandhi)એ તાજેતરમાં ઈન્ટરનેશનલ સોસાયટી ફૉર કૃષ્ણા ચેતના (ISKCON) પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા હતા
ફાઇલ તસવીર
ભારતીય જનતા પાર્ટી (BJP)ના સાંસદ મેનકા ગાંધી (Maneka Gandhi)એ તાજેતરમાં ઈન્ટરનેશનલ સોસાયટી ફૉર કૃષ્ણા ચેતના (ISKCON) પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા હતા. ઈસ્કોને આ આરોપોને પાયાવિહોણા ગણાવતા મેનકા ગાંધીને 100 કરોડ રૂપિયાની માનહાનિ (ISKCON Files 100 Crore Defamation Case Against BJP MP Maneka Gandhi)ની નોટિસ મોકલી છે.
ઈસ્કોન કોલકાતાના ઉપાધ્યક્ષ રાધારમણ દાસે જણાવ્યું હતું કે, “ઈસ્કોનના ભક્તો અને સમર્થકો આ અપમાનજનક, નિંદાપાત્ર અને દૂષિત આરોપોથી ખૂબ જ દુઃખી છે. અમે ઈસ્કોન વિરુદ્ધ ભ્રામક પ્રચાર સામે ન્યાય મેળવવામાં કોઈ કસર છોડીશું નહીં.”
ADVERTISEMENT
મેનકાએ શું કહ્યું?
હકીકતે, તાજેતરમાં મેનકા ગાંધીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં તેમણે ઈસ્કોન પર કસાઈઓને ગાયો વેચવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. એટલું જ નહીં, તેમણે ISKCONને દેશની સૌથી મોટું છેતરપિંડી કરનાર સંગઠન ગણાવ્યું હતું.
મેનકા વીડિયોમાં કહેતી જોવા મળી હતી, “ઇસ્કોન ગાય માટે શેડ બનાવે છે અને તેના માટે સરકાર પાસેથી જમીનના મોટા ટુકડા લે છે અને અમર્યાદિત નફો પણ કમાય છે.” તેમણે દાવો કર્યો હતો કે તાજેતરમાં તેઓ આંધ્રપ્રદેશમાં જ્યારે ઇસ્કોન અનંતપુર ગૌશાળાની મુલાકાતે ગયા ત્યારે ત્યાં એક પણ ગાયનું સ્વાસ્થ્ય સારું ન હતું. તેમણે કહ્યું હતું કે, “ગૌશાળામાં કોઈ વાછરડા નહોતા, એટલે કે તે બધા વેચાઈ ગયા હતા.”
મેનકાએ વધુમાં કહ્યું કે, “ઈસ્કોન તેની તમામ ગાયો કસાઈઓને વેચી રહી છે. તેમના સિવાય આ પ્રકારનું કામ બીજું કોઈ કરતું નથી. આ એ જ લોકો છે જેઓ `હરે રામ હરે કૃષ્ણ`ના નારા લગાવતા શેરીઓમાં ફરે છે અને કહે છે કે તેમનું આખું જીવન દૂધ પર નિર્ભર છે.”
ઈસ્કોને આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા
ઈસ્કોને મેનકા ગાંધીના આરોપોને ખોટા અને પાયાવિહોણા ગણાવ્યા હતા. સંગઠન તરફથી કહેવામાં આવ્યું છે કે તેઓ પૂર્વ કેન્દ્રીય પ્રધાનના નિવેદનથી આશ્ચર્યચકિત છે. ઇસ્કોનના રાષ્ટ્રીય પ્રવક્તા યુધિષ્ઠિર ગોવિંદા દાસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “ઇસ્કોને વિશ્વના ઘણા ભાગોમાં ગાય સંરક્ષણમાં આગેવાની લીધી છે. ખાસ કરીને એવા વિસ્તારોમાં, જ્યાં ગૌમાંસ એ લોકોનો મુખ્ય આહાર છે.”
ઇસ્કોનના યુધિષ્ઠિર ગોવિંદા દાસે કહ્યું હતું કે, “હાલમાં ઇસ્કોનના ગોશાળામાં રહેલી મોટાભાગની ગાયોને ત્યજી દેવાયા અથવા ઘાયલ થયા બાદ અહીં લાવવામાં આવી છે. કેટલીક ગાયો એવી પણ જેમની હત્યા થતી અટકવામાં આવી અને બચાવ્યા બાદ અમારી પાસે લાવવામાં આવી હતી.”


