અત્યાધુનિક મેડિકલ ટેક્નૉલૉજીની સાથે મેડિકલ વેસ્ટ પણ એક બહુ મોટી સમસ્યા છે. આ સમસ્યા હલ કરવા માટે મેડિકલ ફીલ્ડમાં વપરાતાં મોટાં સાધનો અને ડિસ્પોઝેબલ મટીરિયલ બને એટલાં નેચર-ફ્રેન્ડ્લી અને ઓછામાં ઓછો મેડિકલ વેસ્ટ પેદા કરે એવાં હોવાં જોઈએ.
ભારતીય સંશોધકોએ બનાવ્યો ઇકો-ફ્રેન્ડ્લી સર્જિકલ રોબોટ
અત્યાધુનિક મેડિકલ ટેક્નૉલૉજીની સાથે મેડિકલ વેસ્ટ પણ એક બહુ મોટી સમસ્યા છે. આ સમસ્યા હલ કરવા માટે મેડિકલ ફીલ્ડમાં વપરાતાં મોટાં સાધનો અને ડિસ્પોઝેબલ મટીરિયલ બને એટલાં નેચર-ફ્રેન્ડ્લી અને ઓછામાં ઓછો મેડિકલ વેસ્ટ પેદા કરે એવાં હોવાં જોઈએ. ભારતીય સંશોધકોએ આ વાતને ધ્યાનમાં રાખીને એવો રોબો તૈયાર કર્યો છે જે નૅચરલ મટીરિયલમાંથી બન્યો છે. તેલંગણની વૉક્સેન યુનિવર્સિટીના રિસર્ચરોએ મેટલ અને પ્લાસ્ટિકને બદલે સ્પાઇડર લેગ્સ અને સિલ્ક જેવા કુદરતી મટીરિયલમાંથી રોબોના પાર્ટ્સ તૈયાર કર્યા છે. કરોળિયાનું હાડપિંજર અને સિલ્કનું નાજુક છતાં મજબૂત ફાઇબર બાયોડિગ્રેડેબલ હોવાથી પર્યાવરણ માટે હાનિકારક નથી. કુદરતી ચીજોનો ઉપયોગ થયો હોવાથી આ રોબો વધુ ચોકસાઈથી સર્જરી કરવામાં ડૉક્ટરોને મદદ કરે છે. તેલંગણની યુનિવર્સિટીના આર્ટિફિશ્યલ રિસર્ચ સેન્ટરે આ નવી સિસ્ટમ ડિઝાઇન કરી છે જે સૂક્ષ્મ ચોકસાઈવાળી નાજુક સર્જરીઓ કરવા માટે જરૂરી છે. આ રોબો બ્રેઇન, આંખો અને હાર્ટની સર્જરીમાં મદદરૂપ થાય છે. આ રોબોની એક્યુરસી મેટલિક રોબો કરતાં ૭૦ ટકા વધુ હોય છે અને હેલ્ધી ટિશ્યુને ડૅમેજ કરવાની શક્યતા ૫૦ ટકા જેટલી હોય છે એને કારણે દરદીની રિકવરી ફાસ્ટ થાય છે અને સર્જરી પછીનાં કૉમ્પ્લિકેશન્સ પણ ઘટે છે. આ રોબો મોતિયો કાઢવાનું અને આંખનો પડદો રિપેર કરવાનું કામ કરી શકે છે. હૃદયની સર્જરી કરવાની હોય ત્યારે અત્યંત સૂક્ષ્મ રક્તવાહિનીઓને સાંધવાનું કામ આ રોબો કરે છે. તેલંગણની AI રિસર્ચ સેન્ટરના ડિરેક્ટર ડૉ. હેમચંદ્રન કે. કહે છે કે આ રોબો આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, માણસોની નિપુણતા અને લાંબા ગાળાના પર્યાવરણને ધ્યાનમાં રાખીને બન્યો છે જે દરદી માટે સચોટ સારવારનો વિકલ્પ બની શકે છે.

