અગ્નિવીર યોજના અંતર્ગત સેનામાં ભરતી થયેલા લાખો યુવાનોના મનમાં સપનું હોય છે કે ૪ વર્ષની સેવા પછી ભારતીય સેનામાં સ્થાયી સૈનિક બનવું. જોકે ભારતીય સેનાએ અગ્નિવીરોના સ્થાયીકરણની પ્રક્રિયા માટે એક નવો અને મહત્ત્વનો નિયમ બનાવ્યો છે.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)
અગ્નિવીર યોજના અંતર્ગત સેનામાં ભરતી થયેલા લાખો યુવાનોના મનમાં સપનું હોય છે કે ૪ વર્ષની સેવા પછી ભારતીય સેનામાં સ્થાયી સૈનિક બનવું. જોકે ભારતીય સેનાએ અગ્નિવીરોના સ્થાયીકરણની પ્રક્રિયા માટે એક નવો અને મહત્ત્વનો નિયમ બનાવ્યો છે. ભારતીય સેનાએ સ્પષ્ટ કર્યું છે કે સ્થાયી સૈનિક બનવાની પ્રક્રિયા દરમ્યાન અગ્નિવીરોએ અવિવાહિત રહેવું અનિવાર્ય છે. ૪ વર્ષના અગ્નિવીર તરીકેના કાર્યકાળ દરમ્યાન જો કોઈ અગ્નિવીર લગ્ન કરે છે તો તે સ્થાયી સૈનિક બનવા માટે અયોગ્ય ગણાશે. આવા અગ્નિવીરો સ્થાયી સૈનિક બનવા માટેની અરજી કરવા માટે પણ પાત્ર નહીં ઠરે અને ચયનપ્રક્રિયાનો હિસ્સો પણ નહીં બની શકે.
નવા નિયમ અનુસાર અગ્નિવીરો ત્યારે જ લગ્ન કરી શકશે જ્યારે તેઓ ભારતીય સેનામાં સ્થાયી સૈનિક તરીકે નિયુક્ત થઈ જાય. નિયુક્તિનું અંતિમ પરિણામ ન આવી જાય ત્યાં સુધી અવિવાહિત રહેવું પડશે. અલબત્ત, એમાં બહુ લાંબી રાહ જોવાની નથી. ૪ વર્ષના કાર્યકાળ પછી ચારથી ૬ મહિનાના સમયમાં સ્થાયીકરણની પ્રક્રિયા પૂરી થઈ જાય એ પછી અગ્નિવીરો લગ્ન કરી શકશે.


