૧૬ સપ્ટેમ્બરે ભારત અને અમેરિકાના પ્રતિનિધિઓ વચ્ચેની ટ્રેડ-ટૉક સકારાત્મક રહી હતી
વી. અનંત નાગેશ્વરન
ચીફ ઇકૉનૉમિક ઍડ્વાઇઝર વી. અનંત નાગેશ્વરને આપેલા સંકેતો મુજબ પચીસ ટકા પૅનલ્ટી ટૅરિફ દૂર થઈ જાય અને રેસિપ્રોકલ ટૅરિફ પણ ઘટીને ૧૦થી ૧૫ ટકા થાય એવી સંભાવના
૧૬ સપ્ટેમ્બરે ભારત અને અમેરિકાના પ્રતિનિધિઓ વચ્ચેની ટ્રેડ-ટૉક સકારાત્મક રહી હતી. આ વિશે ભારતના ચીફ ઇકૉનૉમિક ઍડ્વાઇઝર (CEA) વી. અનંત નાગેશ્વરને ગુરુવારે કહ્યું હતું કે ‘અમેરિકા જલદી જ ભારતીય વસ્તુઓ પર લગાવેલી પચીસ ટકા વધારાની પેનલ્ટી ટૅરિફ હટાવે એવી સંભાવના છે. રેસિપ્રોકલ ટૅરિફ પણ ઘટીને ૧૦થી ૧૫ ટકા થવાની શક્યતા છે.’
કલકત્તામાં મર્ચન્ટ્સ ચેમ્બર ઑફ કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રીના એક કાર્યક્રમ દરમ્યાન CEA નાગેશ્વરને કહ્યું હતું કે ‘ટૅરિફના મામલે આગામી આઠથી ૧૦ વીકમાં સમાધાન થવાની આશા છે. મને પૂરો વિશ્વાસ છે કે આગામી થોડા મહિનામાં પચીસ ટકા એક્સ્ટ્રા ટૅરિફ પર સમાધાન જરૂર નીકળશે.’
ADVERTISEMENT
૩૦ નવેમ્બર પછી પેનલ્ટી ટૅરિફ ઉપરાંત રેસિપ્રોકલ ટૅરિફ પણ ઘટશે એવા સંકેતો આપતાં CEA નાગેશ્વરને કહ્યું હતું કે ‘મારું માનવું છે કે ભૂ-રાજનૈતિક પરિસ્થિતિઓને કારણે જ વધારાની પચીસ ટકા ટૅરિફ લગાવવામાં આવી હશે. જોકે છેલ્લાં કેટલાંક અઠવાડિયાંઓનો ઘટનાક્રમ જોતાં હું એવું માનું છું કે ૩૦ નવેમ્બર પછી પેનલ્ટી ટૅરિફ નહીં લાગે.’
ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા વ્યાપાર વાર્તાલાપનો ઉલ્લેખ કરતાં CEA નાગેશ્વરને કહ્યું હતું કે ‘મને વિશ્વાસ છે કે આગામી થોડા મહિનાઓમાં પેનલ્ટી ટૅરિફ અને રેસિપ્રોકલ ટૅરિફ પર પણ સમાધાન થઈ જશે. આ વિધાન હું કહી રહ્યો છું એ કોઈ નક્કર સંકેતો કે પુરાવાના આધારે નહીં, પરંતુ મને આશા છે કે છેલ્લાં કેટલાંક અઠવાડિયાંઓની ગતિવિધિઓ જોતાં આવતા એક-બે મહિનામાં પેનલ્ટી ટૅરિફ બાબતે સમાધાન થઈ જશે.’


