ભારતે જવાબ આપ્યો કે અમે પોતાના પ્રદેશમાં મીટિંગ્સનું આયોજન કરવા માટે મુક્ત

G20ની મીટિંગ પહેલાં શ્રીનગરમાં ગઈ કાલે દલ લેક ખાતે મૉક ડ્રિલમાં ભાગ લેતા સીઆરપીએફના કમાન્ડોઝ (તસવીર : પી.ટી.આઇ.)
કાશ્મીરમાં G20 ગ્રુપની મીટિંગના આયોજનથી ચીનના પેટમાં દુખાવો થયો છે. ચીને આ મીટિંગનો વિરોધ કર્યો છે. બીજી તરફ શ્રીનગરમાં યોજાનારી આ ઇવેન્ટ માટે હજી સુધી ટર્કી અને સાઉદી અરેબિયાએ રજિસ્ટ્રેશન કરાવ્યું નથી. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વેંગ વેનબિને કહ્યું હતું કે ચીન ‘વિવાદાસ્પદ’ વિસ્તારોમાં કોઈ પણ સ્વરૂપમાં G20ની મીટિંગ્સ યોજવા સામે મક્કમતાથી વિરોધ કરે છે અને આવી મીટિંગ્સમાં ભાગ લેશે નહીં.
ભારતે આ વાંધાને એમ કહીને ફગાવી દીધો હતો કે ‘ભારત પોતાના પ્રદેશમાં મીટિંગ્સનું આયોજન કરવા માટે મુક્ત છે. ચીનની સાથેના સામાન્ય સંબંધો માટે ચીન સાથેની સરહદ પર શાંતિ અને સ્થિરતા જરૂરી છે.’ G20 ટૂરિઝમ વર્કિંગ ગ્રુપની ત્રીજી મીટિંગ શ્રીનગરમાં ૨૨થી ૨૪ મે દરમ્યાન યોજાશે. ૨૦૧૯માં જમ્મુ-કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જો રદ કરવામાં આવ્યો ત્યારથી અહીં યોજાનારી આ પહેલી મુખ્ય ઇન્ટરનૅશનલ ઇવેન્ટ છે. G20 દેશોના લગભગ ૬૦ પ્રતિનિધિઓ શ્રીનગરમાં યોજાનારી મીટિંગમાં ભાગ લે એવી શક્યતા છે.
G20ની મીટિંગ પહેલાં આતંકવાદ વિરોધી કાર્યવાહી
G20ની મીટિંગ પહેલાં નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)એ ગઈ કાલે પુલવામા જિલ્લામાં દરોડા પાડ્યા હતા. બીજી તરફ જમ્મુ-કાશ્મીર પોલીસના સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન યુનિટે ગઈ કાલે પાંચ સ્થાનિક આતંકવાદીઓનાં ઘરે દરોડા પાડ્યા હતા.