NASA અને સ્પેસઍક્સની ભાગીદારીમાં થનારા ઍક્સિઓમ-4 મિશનનું કાઉન્ટડાઉન શરૂ, ભારતીય સમય મુજબ સાંજે ૫.૫૨ વાગ્યે મિશન શરૂ થશે, ભારતે આ મિશન પર અત્યાર સુધીમાં લગભગ ૫૪૮ કરોડ રૂપિયા ખર્ચ્યા
શુભાંશુ શુક્લા
ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા ઍક્સિઓમ સ્પેસ નામની કંપનીના ઍક્સિઓમ-4 મિશન હેઠળ ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશન (ISS) માટે આજે રવાના થશે ત્યારે ભારતના અવકાશ-ઇતિહાસમાં આજે એક નવો અધ્યાય ઉમેરાઈ જશે. ૪૧ વર્ષ પહેલાં ૧૯૮૪માં ભારતના પ્રથમ અવકાશયાત્રી વિંગ કમાન્ડર રાકેશ શર્મા અવકાશમાં ગયા હતા અને ૮ દિવસ રહ્યા હતા, હવે બીજા અવકાશયાત્રી શુભાંશુ શુક્લા ISS પર ૧૫ દિવસ રોકાઈને પૃથ્વી પર પાછા ફરશે. ગ્રુપ કૅપ્ટન શુભાંશુ શુક્લા ISS પર જનારા પહેલા ભારતીય બનશે. શૅક્સ ઉપનામથી જાણીતા શુભાંશુ શુક્લાએ યાત્રા પર રવાના થતાં પહેલાં કહ્યું હતું કે આ મિશનનો ભાગ બનીને હું મારી જાતને ખૂબ જ ભાગ્યશાળી માનું છું.
૨૮ કલાકની મુસાફરી
ADVERTISEMENT
ઍક્સિઓમ-4 મિશનનું લૉન્ચિંગ ૧૦ જૂને અમેરિકાના ફ્લૉરિડા સ્થિત અમેરિકાની સ્પેસ-એજન્સી નૅશનલ ઍરોનૉટિક્સ ઍન્ડ સ્પેસ ઍડ્મિનિસ્ટ્રેશન (NASA)ના કેનેડી સ્પેસ-સેન્ટરથી થશે. અવકાશયાન અમેરિકાના સમય મુજબ સવારે ૬.૧૨ વાગ્યે (ભારતીય સમય મુજબ સાંજે ૫.૫૨ વાગ્યે) સ્પેસઍક્સના ફાલ્કન ૯ રૉકેટ દ્વારા લૉન્ચ કરવામાં આવશે. તેમની યાત્રા સ્પેસઍક્સના ક્રૂ ડ્રૅગન અવકાશયાનમાં હશે. ૨૮ કલાકની મુસાફરી પછી અવકાશયાન ૧૧ જૂને ભારતીય સમય મુજબ રાત્રે ૧૦ વાગ્યે ISS સાથે જોડાશે. સ્પેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપર કંપની ઍક્સિઓમ સ્પેસનું આ પ્રાઇવેટ મિશન NASA અને પ્રાઇવેટ કંપની સ્પેસઍક્સની ભાગીદારીમાં હાથ ધરવામાં આવી રહ્યું છે. આ મિશન ‘મિશન આકાશ ગંગા’ તરીકે પણ ઓળખાશે.
અનુભવી અવકાશયાત્રીઓ સાથે સફર
શુભાંશુ શુક્લા આ મિશનમાં પાઇલટની ભૂમિકામાં છે. તેમની સાથે અમેરિકાના મિશન કમાન્ડર અને ૬૦૦ દિવસથી વધુ સમય અવકાશમાં વિતાવી ચૂકેલા અનુભવી અવકાશયાત્રી પેગી વ્હિટસન, હંગેરીના મિશન નિષ્ણાત ટિબોર કાપુ, પોલૅન્ડના સ્લાવોસ વુજનાન્સ્કી-વિસ્નીવસ્કી અને યુરોપિયન સ્પેસ-એજન્સીના વૈજ્ઞાનિકો જોડાશે.
શુભાંશુ ઘણા પ્રયોગો પણ કરશે
ભારતે આ મિશન પર અત્યાર સુધીમાં લગભગ ૫૪૮ કરોડ રૂપિયા ખર્ચ્યા છે. આમાં શુભાંશુ શુક્લા અને તેમના બૅકઅપ ગ્રુપ-કૅપ્ટન પ્રશાંત નાયરની તાલીમનો પણ સમાવેશ થાય છે. સ્પેસ-સ્ટેશનમાં શુભાંશુ શુક્લા ઘણા પ્રયોગો કરશે. આમાં છોડનાં બીજ અને માનવશરીર પર સૂક્ષ્મ ગુરુત્વાકર્ષણની અસર જેવા મોટા ભાગના જૈવિક પ્રયોગો હશે.
બહેનનાં લગ્નના દિવસે NDAની ગુપ્ત રીતે પરીક્ષા આપી હતી
શુભાંશુ શુક્લાએ NDAની પરીક્ષા માટે અરજી કરતી વખતે આ વાત તેમના પરિવારથી છુપાવી રાખી હતી. પરીક્ષામાં પાસ થયા બાદ તેમણે આ વાત જણાવી હતી. જે દિવસે પરીક્ષા હતી એ દિવસે તેમની બહેનનાં લગ્ન હતાં છતાં શુભાંશુ ગુપ્ત રીતે પરીક્ષા આપવા ગયા હતા. તેમનાં મમ્મી આશા શુક્લાએ જણાવ્યું હતું કે ‘એ સાચું છે કે અમે તેને NDAમાં પ્રવેશ આપવા માગતાં નહોતાં, પરંતુ તેની સખત મહેનત અને શિસ્ત તેને અહીં સુધી લાવી છે. તે શરૂઆતથી જ એક બુદ્ધિશાળી અને સ્માર્ટ બાળક હતો.’
શુભાંશુ શુક્લા કોણ છે?
૩૯ વર્ષના શુભાંશુ શુક્લાનો જન્મ ૧૯૮૫માં ૧૦ ઑક્ટોબરે ઉત્તર પ્રદેશના લખનઉમાં થયો હતો. તેમના પિતાનું નામ શંભુ દયાળ શુક્લા અને માતાનું નામ આશા શુક્લા છે. તેમણે પ્રાથમિક શિક્ષણ લખનઉની સિટી મૉન્ટેસરી સ્કૂલમાંથી કર્યું હતું. ૧૯૯૯ના કારગિલ યુદ્ધથી પ્રેરિત થઈને તેમણે માત્ર ૧૬ વર્ષની ઉંમરે નૅશનલ ડિફેન્સ ઍકૅડેમી (NDA)ની પરીક્ષા આપી હતી અને સફળ રહ્યા હતા. ૨૦૦૫માં NDAમાંથી ગ્રૅજ્યુએટ થયા પછી તેઓ જૂન ૨૦૦૬માં ઇન્ડિયન ઍરફોર્સમાં જોડાયા હતા. તેમની પાસે ૨૦૦૦ કલાક ઉડાનનો અનુભવ છે અને તેમણે સુખોઈ-30 MK 1, MiG-21, MiG-29, Jaguar, Hawk, Dornier અને AN-32 જેવાં ઘણાં ફાઇટર વિમાનો ઉડાવ્યાં અને પરીક્ષણ કર્યાં છે. ૧૫ વર્ષ સુધી તેઓ કૉમ્બૅટ પાઇલટ રહી ચૂક્યા છે. વર્ષ ૨૦૨૦માં તેમને ઇન્ડિયન સ્પેસ ઍન્ડ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન (ISRO)ના ગગનયાન મિશન માટે પસંદ કરવામાં આવ્યા હતા. આ ભારતનો પ્રથમ સમાનવ અવકાશ ઉડાન પ્રોજેક્ટ છે. આ માટે તેમણે રશિયાના યુરી ગૅગરીન કૉસ્મોનોટ તાલીમ કેન્દ્રમાં એક વર્ષની સખત તાલીમ મેળવી છે. ચાર વર્ષ પછી તેમની અવકાશયાત્રાએ એક નવો વળાંક લીધો છે.
અવકાશયાત્રી બનવાની પ્રેરણા વિશે બોલતાં શુભાંશુ શુક્લાએ કહ્યું હતું કે ‘ભારતના પ્રથમ અવકાશયાત્રી વિન્ગ કમાન્ડર રાકેશ શર્માની વાતો હું સ્કૂલનાં પુસ્તકોમાં વાંચતો હતો અને તેમના અનુભવો સાંભળીને ખૂબ પ્રભાવિત થયો હતો. શરૂઆતમાં મારું સ્વપ્ન ફક્ત ઉડાન ભરવાનું હતું, પરંતુ અવકાશયાત્રી બનવાનો માર્ગ પછીથી ખૂલ્યો. હું મારી જાતને ખૂબ જ ભાગ્યશાળી માનું છું કે મને આખી જિંદગી ઉડાન ભરવાની તક મળી અને પછી મને અવકાશયાત્રી બનવા માટે અરજી કરવાની તક મળી અને હવે હું સ્પેસ-સ્ટેશન જઈ રહ્યો છું.’
શુભાંશુ શુક્લા અવકાશમાં શું ખાશે?
ISRO દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ શુભાંશુ શુક્લા અવકાશમાં ભારતીય ભોજનનો સ્વાદ માણી શકશે. તેમના માટે તેમનો પ્રિય ખોરાક તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં તેમનાં માતા દ્વારા બનાવેલા મગ-દાળના હલવાનો અને આમરસનો સમાવેશ થાય છે.
ઘર પોસ્ટરોથી શણગારવામાં આવ્યું
લખનઉમાં શુભાંશુ શુક્લાના ઘરને તેમની જીવનયાત્રા સંબંધિત પોસ્ટરોથી શણગારવામાં આવ્યું છે. આમાં તેમને આ મોટી સિદ્ધિ માટે અભિનંદન આપવામાં આવ્યાં છે. એક પોસ્ટરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમને પ્રોત્સાહન આપી રહ્યા છે. બીજા પોસ્ટરમાં તે તાલીમસ્થળે જોવા મળે છે.

