રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે કહ્યું કે દેશમાં ૩૫૦ કિલોમીટરના પ્રવાસ માટે રેલવેનું ભાડું ૧૨૧ રૂપિયા છે; જ્યારે પાકિસ્તાનમાં ૪૩૬, શ્રીલંકામાં ૪૧૩ અને બંગલાદેશમાં ૩૨૩ રૂપિયા છે
ભારતીય રેલવે (ફાઈલ તસવીર)
રેલવે-મંત્રાલયની વિવિધ જાણકારી આપતાં રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવે ગઈ કાલે રાજ્યસભામાં જણાવ્યું હતું કે ‘ભારતમાં રેલવે-પ્રવાસ સૌથી સસ્તો છે અને ૩૫૦ કિલોમીટરના પ્રવાસ માટેનું ભાડું માત્ર ૧૨૧ રૂપિયા છે. આટલો જ પ્રવાસ કરવા માટે પાડોશી પાકિસ્તાનમાં ૪૩૬, બંગલાદેશમાં ૩૨૩ અને શ્રીલંકામાં ૪૧૩ રૂપિયા ભાડું લેવામાં આવે છે. ભારતમાં રેલવેના પ્રવાસીઓને ભાડામાં ૪૭ ટકાની સબસિડી આપવામાં આવે છે અને નવાઈની વાત એ છે કે ૨૦૨૦થી રેલવેના પ્રવાસી-ભાડામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી.
એક ભારતીય રૂપિયાનું મૂલ્ય પાકિસ્તાનના ૩.૨૧ રૂપિયા, બંગલાદેશના ૧.૪૦ ટાકા અને શ્રીલંકાના ૩.૪૨ રૂપિયા બરાબર થાય છે. રેલવેપ્રધાને દાવો કર્યો હતો કે પશ્ચિમના દેશોમાં ભારત કરતાં દસથી ૨૦ ટકા વધારે ભાડું વસૂલ કરવામાં આવે છે.
ADVERTISEMENT
૧.૩૮ રૂપિયાના ખર્ચ સામે રેલવે લે છે માત્ર ૭૩ પૈસા
સબસિડી વિશે વાત કરતાં અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે ‘એક કિલોમીટર ટ્રેન-પ્રવાસનો ખર્ચ ૧.૩૮ રૂપિયા આવે છે, પણ પ્રવાસીઓ પાસેથી રેલવે માત્ર ૭૩ પૈસા ભાડું લે છે. આમ ૪૭ ટકા સબસિડી આપવામાં આવે છે. ૨૦૨૨-’૨૩માં ૫૭,૦૦૦ કરોડ રૂપિયાની સબસિડી અપાઈ હતી અને ૨૦૨૩-’૨૪માં આ આંકડો ૬૦,૦૦૦ કરોડ (અંદાજિત મૂલ્ય) થવાની ધારણા છે. ભારતીય રેલવેનું ધ્યેય પ્રવાસીઓને ઓછા ભાડામાં સલામત અને વધારે સુવિધા સાથે યાત્રા કરાવવાનો છે.’

