ભારતે પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું છે કે અમે પરમાણુ બ્લેકમેલથી ડરવાના નથી. અમે અમારી રાષ્ટ્રીય સુરક્ષા માટે જરૂરી તમામ પગલાં લેતાં રાખીશું.
રણધીર જયસ્વાલ
પાકિસ્તાનના સેના પ્રમુખ અસીમ મુનીરે અમેરિકામાં એક કાર્યક્રમમાં આપેલી પરમાણુ ધમકી પર ભારતે ગઈ કાલે એક નિવેદન બહાર પાડ્યું હતું. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે આ કમેન્ટ્સ ત્રીજા મિત્ર દેશની ધરતી પરથી કરવામાં આવી તે દુઃખદ બાબત છે. પરમાણુ હથિયારોની વાત કરવી એ પાકિસ્તાનની જૂની આદત છે. પાકિસ્તાનની સરકાર અને આતંકવાદી સંગઠનોની આંતરિક સાંઠગાંઠ છે. પાકિસ્તાન પરમાણુ હથિયારો ધરાવતો એક બેજવાબદાર દેશ છે. મુનીરનું નિવેદન એક પેટર્નનો ભાગ છે, જ્યારે પણ અમેરિકા પાકિસ્તાની સૈન્યને ટેકો આપે છે, ત્યારે તેઓ હંમેશા પોતાનો સાચો રંગ બતાવે છે. આ દર્શાવે છે કે પાકિસ્તાનમાં લોકશાહી અસ્તિત્વમાં નથી. આ પ્રકારની ટિપ્પણીઓમાં રહેલી બેજવાબદારી પર આંતરરાષ્ટ્રીય સમુદાય પોતાના નિષ્કર્ષ કાઢી શકે છે. જ્યાં સૈન્ય આતંકવાદી જૂથો સાથે હાથ મિલાવી કામ કરતું હોય એવા દેશમાં પરમાણું હથિયારો વિશે પણ વિચારવું જોઈએ. ભારતે પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું છે કે અમે પરમાણુ બ્લેકમેલથી ડરવાના નથી. અમે અમારી રાષ્ટ્રીય સુરક્ષા માટે જરૂરી તમામ પગલાં લેતાં રાખીશું.


