આયાત પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો, પોસ્ટલ અને પાર્સલ સર્વિસ સ્થગિત કરી, પાકિસ્તાની ધ્વજવાળાં જહાજોને ભારતીય બંદરો પર નો એન્ટ્રી ફરમાવી
જમ્મુ જિલ્લામાં લાઇન ઑૅફ કન્ટ્રોલ નજીકના છેલ્લા ગામ સૈંથમાં એક ઘર પર લહેરાતો ભારતીય રાષ્ટ્રધ્વજ.
પહલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારત સરકાર આક્રમક વલણ અપનાવી રહી છે. શનિવારે ભારત સરકારે વધુ ત્રણ મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધા છે જે અંતર્ગત પાકિસ્તાનથી પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે થતી આયાત પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ લગાડ્યો છે. એ સિવાય પાકિસ્તાન સાથે તમામ પ્રકારની પોસ્ટલ અને પાર્સલ સર્વિસના આદાન-પ્રદાન પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ નિર્ણય હવાઈ અને જમીન બન્ને માર્ગો માટે લાગુ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પાકિસ્તાનના ધ્વજવાળાં જહાજોને ભારતીય બંદરો પર પ્રવેશવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
ભારતે આયાત પર પ્રતિબંધ મૂકવાના પોતાના નિર્ણય દ્વારા સ્પષ્ટ કરી દીધું છે કે જ્યાં સુધી પાકિસ્તાન આતંકવાદને સમર્થન આપવાનું ચાલુ રાખશે ત્યાં સુધી એને કોઈ પ્રકારનો સહયોગ આપવામાં આવશે નહીં, પછી ભલે એ વેપાર હોય કે રાજદ્વારી. આ નિર્ણયથી પાકિસ્તાનના અર્થતંત્ર પર ભારે અસર થશે. પાકિસ્તાનની અર્થવ્યવસ્થા પહેલાંથી જ સંકટમાં છે. ભારતમાંથી આયાત પર પ્રતિબંધની સીધી અસર પાકિસ્તાનના કેટલાક ઉદ્યોગો પર પડશે, ખાસ કરીને જે ભારત પર નિર્ભર હતા. પાકિસ્તાનથી સીધી આયાત થતી વસ્તુઓમાં સિમેન્ટ અને સૂકા ફળનો સમાવેશ થાય છે. આમાં ઈ-કૉમર્સ દ્વારા ઑર્ડર કરાયેલી પાકિસ્તાનની વસ્તુઓનો પણ સમાવેશ છે. આનો અર્થ એ થયો કે હવે પાકિસ્તાની માલ કોઈ પણ માધ્યમથી ભારતમાં પ્રવેશી શકશે નહીં.


