રૂપિયાના ઢગલા અને એના માલિક ધીરજ પ્રસાદ સાહુની સાથે કોઈ નિસબત ન હોવાનું કૉન્ગ્રેસે જણાવ્યું, છતાં બીજેપીના લીડર્સે કરી આકરી ટીકા
રાંચીમાં ગઈ કાલે ઝારખંડના કૉન્ગ્રેસના એમપી ધીરજ સાહુના ઘરે પાર્ક કરવામાં આવેલી અનેક એસયુવી. તસવીર : પી.ટી.આઇ.
નવી દિલ્હી : ઝારખંડના કૉન્ગ્રેસના રાજ્યસભાના સંસદસભ્ય ધીરજ પ્રસાદ સાહુના પ્રિમાઇસિસ પર દરોડા પાડીને ઇન્કમ ટૅક્સ ડિપાર્ટમેન્ટે ૩૫૩ કરોડ રૂપિયાથી વધુ કૅશ જપ્ત કરી છે. જપ્ત કરવામાં આવેલી કૅશની ગણતરી જલદી કમ્પ્લીટ કરવા માટે ગઈ કાલે ઇન્કમ ટૅક્સ ડિપાર્ટમેન્ટે વધુ કૅશ કાઉન્ટિંગ મશીન્સ મગાવી હતી. શરૂઆતમાં કૅશની ગણતરી કરવા માટે બૅન્કના કર્મચારીઓની સાથે ૩૦થી વધારે કૅશ કાઉન્ટિંગ મશીન્સ હતાં. જોકે હવે ઇન્કમ ટૅક્સ ડિપાર્ટમેન્ટે નાનાં-મોટાં ૪૦ કૅશ કાઉન્ટિંગ મશીન્સની સાથે વધુ કર્મચારીઓને બોલાવ્યા હતા.
કૉન્ગ્રેસના મહાસચિવ જયરામ રમેશે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર લખ્યું હતું કે ‘સંસદસભ્ય ધીરજ સાહુના બિઝનેસની સાથે ઇન્ડિયન નૅશનલ કૉન્ગ્રેસને કોઈ જ નિસબત નથી.’ આમ છતાં, બીજેપીના લીડર્સે આ મામલે કૉન્ગ્રેસની આકરી ટીકા કરી હતી.
આ મામલે કૉન્ગ્રેસના સિનિયર લીડર રાહુલ ગાંધીની આકરી ટીકા કરતાં કેન્દ્રીય પ્રધાન જી. કિશન રેડ્ડીએ ગઈ કાલે કહ્યું હતું કે ‘રાહુલ ગાંધીના ખાસ મિત્ર અને રાજ્યસભાના એમપી ધીરજ સાહુની ઑફિસોમાંથી કરોડો રૂપિયા ઇન્કમ ટૅક્સ ડિપાર્ટમેન્ટે જપ્ત કર્યા છે. હું રાહુલ ગાંધીને પૂછવા ઇચ્છું છું કે શા માટે તેમણે આ મામલે સોશ્યલ મીડિયા પર કંઈ પણ પોસ્ટ કર્યું નથી? શા માટે તેઓ આ મામલે કંઈ પણ બોલ્યા નથી? કેમ કે કૉન્ગ્રેસ હંમેશાં કરપ્શનને સપોર્ટ આપે છે.’
ADVERTISEMENT
હવે સમજાયું કે નોટબંધીનો આટલો વિરોધ કેમ હતો?
બીજેપીના લીડર શેહઝાદ પૂનાવાલાએ ધીરજ સાહુના નોટબંધીની ટીકા કરતાં જૂનાં ટ્વીટ્સને લઈને ગઈ કાલે તેમની ટીકા કરી હતી. પૂનાવાલાએ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર લખ્યું હતું કે ‘ઓહ, હવે સમજાઈ રહ્યું છે કે ધીરજ સાહુ અને કૉન્ગ્રેસ નોટબંધીનો આટલો વિરોધ શા માટે કરતા હતા.’
સાહુએ લખ્યું હતું કે લોકો ક્યાંથી આટલું બ્લૅક મની જમા કરી લે છે
સાહુની ભ્રષ્ટાચાર વિશેની એક પોસ્ટ પણ વાઇરલ થઈ રહી છે, જેમાં તેમણે લખ્યું હતું કે ‘નોટબંધી પછી પણ દેશમાં આટલું કાળું ધન અને ભ્રષ્ટાચાર જોઈને મન વ્યથિત થઈ જાય છે. મને તો સમજાતું જ નથી કે લોકો ક્યાંથી આટલું બ્લૅક મની જમા કરી લે છે? જો કોઈ આ દેશમાંથી ભ્રષ્ટાચારને જડમૂળમાંથી ઉખાડીને ફેંકી શકે છે તો એ માત્ર કૉન્ગ્રેસ પાર્ટી જ છે.’


