૧૫ નવેમ્બરથી અમલમાં આવનારા નવા નિયમ મુજબ વાહનચાલકો સવાગણો ટોલ ભરીને છૂટી શકશે
પ્રતીકાત્મક તસવીર
ટોલ-પ્લાઝા પર ઝડપી અને કૅશલેસ પેમેન્ટ કરવાની સુવિધા-ફાસ્ટૅગ વગરનાં વાહનો માટે કેન્દ્ર સરકારે રાહતના સમાચાર આપ્યા છે. જો કોઈ વાહનમાં ફાસ્ટૅગ ન હોય અથવા ફાસ્ટૅગ કામ ન કરતું હોય તો રોકડમાં તેમણે હવે બમણો ટૅક્સ ચૂકવવાની જરૂર નથી. તેઓ UPI (યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ) દ્વારા પેમેન્ટ કરીને માત્ર ૧.૨૫ ગણો ટૅક્સ ભરીને પણ છૂટી શકશે. નૅશનલ હાઇવેઝ ફી, ૨૦૦૮ના નિયમોમાં સુધારા કરીને રોડ ટ્રાન્સપોર્ટ ઍન્ડ હાઇવે મંત્રાલયે આ નવો નિયમ જાહેર કર્યો છે જેના પર ૧૫ નવેમ્બરથી અમલ કરવામાં આવશે. અત્યાર સુધી રોકડમાં બમણો ટોલ ભરવો પડતો હતો. એને બદલે જો UPIથી ટોલ ભરવામાં આવશે તો ૧૦૦ રૂપિયાના ટોલની સામે ૨૦૦ રૂપિયા રોકડ ભરવાને બદલે ૧૨૫ રૂપિયા જ ભરવા પડશે. નૅશનલ હાઇવે પર ટોલ-ટૅક્સની ચુકવણી વધુ સરળ બનાવવા અને ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે સરકારે આ નિર્ણય લીધો છે. એને પગલે ટોલ-પ્લાઝા પર રોકડમાં થતા વ્યવહારોમાં છેતરપિંડીની શક્યતા પણ ઘટશે.


