દેશની મોટા ભાગની મોટી બૅન્કોએ UPI પર કોઈ ચાર્જ લગાવ્યો નથી, પરંતુ હવે ICICI બૅન્કે આ દિશામાં એક પગલું ભર્યું. પહેલી ઑગસ્ટથી ICICI બૅન્કે ગૂગલપે, ફોનપે, મોબિક્લિક અને રેઝરપે જેવા પેમેન્ટ ઍગ્રિગેટર્સ પાસેથી UPI વ્યવહારો માટે ફી વસૂલ કરવાનું શરૂ કર્યું.
પ્રતીકાત્મક તસવીર
દેશની મોટા ભાગની મોટી બૅન્કોએ યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI) પર કોઈ ચાર્જ લગાવ્યો નથી, પરંતુ હવે ICICI બૅન્કે આ દિશામાં એક પગલું ભર્યું છે. પહેલી ઑગસ્ટથી ICICI બૅન્કે ગૂગલપે, ફોનપે, મોબિક્લિક અને રેઝરપે જેવા પેમેન્ટ ઍગ્રિગેટર્સ પાસેથી UPI વ્યવહારો માટે ફી વસૂલ કરવાનું શરૂ કર્યું છે. જોકે સામાન્ય ગ્રાહકોએ સીધો ચાર્જ ચૂકવવો નહીં પડે. એ દુકાનદારોને અસર કરશે અને આખરે ગ્રાહકો સુધી પહોંચી શકશે. ICICI બૅન્ક દરેક UPI વ્યવહાર માટે ‘ટ્રાન્ઝૅક્શન હૅન્ડલિંગ ફી’ ચૂકવવાનું કહેશે.
ICICI બૅન્કમાં ઍસ્ક્રો અકાઉન્ટ ધરાવતા ઍગ્રિગેટર્સ પ્રતિ વ્યવહાર બે બેસિસ પૉઇન્ટ (મહત્તમ ૬ રૂપિયા) ચૂકવશે, જ્યારે જે લોકો પાસે આવું અકાઉન્ટ નથી તેમની પાસેથી ૪ બેસિસ પૉઇન્ટ (મહત્તમ ૧૦ રૂપિયા) વસૂલ કરવામાં આવશે. જો વ્યવહારો સીધા વેપારીના ICICI બૅન્ક-ખાતામાં સેટલ થાય તો કોઈ ચાર્જ લાગુ પડતો નથી. આ ફેરફાર યસ બૅન્ક અને ઍક્સિસ બૅન્ક દ્વારા કરવામાં આવેલાં સમાન પગલાં સાથે સુસંગત છે, જેનો હેતુ બૅન્કોના UPI માળખાગત ખર્ચને આવરી લેવાનો છે.
રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI)ના ગવર્નરે તાજેતરમાં UPI પર ચાર્જિંગ અંગે કેટલાક સંકેતો આપ્યા હતા. UPI સિસ્ટમ જાળવવામાં બૅન્કોનો ખર્ચ વધી રહ્યો છે. આ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સુરક્ષા અને ટેક્નૉલૉજીમાં મોટા પાયે રોકાણ કરવામાં આવી રહ્યું છે. જ્યારે UPI પર કોઈ મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) નથી એટલે કે બૅન્કો એમાંથી આવક મેળવતી નથી. આવી સ્થિતિમાં બૅન્કો હવે પેમેન્ટ ઍગ્રિગેટર્સ પાસેથી આવક ઉત્પન્ન કરવાનો પ્રયાસ કરી રહી છે.
હાલમાં સામાન્ય ગ્રાહકો પાસેથી કોઈ ચાર્જ વસૂલ કરવામાં આવશે નહીં, પરંતુ નિષ્ણાતો માને છે કે ઍગ્રિગેટર્સ આ ખર્ચ વેપારીઓ પર પાસ-ઑન કરી શકે છે જે પાછળથી માલ અથવા સેવાઓના ભાવમાં વધારા તરીકે ગ્રાહકો સુધી પહોંચી શકે છે.


