હિમાચલ પ્રદેશમાં આવી તબાહી મચાવી છે વરસાદે : ૨૭૪૩ હેક્ટર પાકને નુકસાન, ૬૮૦ ઘર તૂટ્યાં અને ૨૨,૯૦૦ પશુઓનાં મૃત્યુ
હિમાચલ પ્રદેશ પાછલા અનેક દિવસોથી વરસાદના કહેરનો સામનો કરી રહ્યું છે
આ વર્ષે ચોમાસામાં ભારતના અનેક વિસ્તારોમાં વરસાદને લીધે ભારે નુકસાન થયું છે. હિમાચલ પ્રદેશ પાછલા અનેક દિવસોથી વરસાદના કહેરનો સામનો કરી રહ્યું છે. ૨૦ જૂનથી અત્યાર સુધીમાં હિમાચલ પ્રદેશમાં ૧૭૦થી વધુ લોકોએ વરસાદને લીધે જીવ ગુમાવ્યા છે. રાજ્યમાં ૩૦૧ જેટલા મહત્ત્વના રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે, ૪૩૬ વીજ ટ્રાન્સફૉર્મર્સને નુકસાન થયું છે અને ૨૫૪ જેટલી વૉટર સપ્લાય સ્કીમ્સ અસરગ્રસ્ત થઈ છે. ૨૭૪૩ હેક્ટર પાક પર પાણી ફરી વળ્યાં છે, ૬૮૦ ઘરમકાનો ધરાશાયી થયાં છે અને ૨૨,૯૦૦ જેટલાં પશુઓ મૃત્યુ પામ્યાં છે. સમગ્ર રાજ્યમાં આ વર્ષે વરસાદને લીધે ખાનગી અને સરકારી સંપત્તિઓને થયેલા નુકસાનની કિંમત ૧,૫૯,૯૮૧ લાખ રૂપિયાને પણ વટાવી ગઈ છે.


