Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > હિમાચલમાં વરસાદનું તાંડવ

હિમાચલમાં વરસાદનું તાંડવ

Published : 11 July, 2023 11:51 AM | IST | Shimla
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કુલ ૧૭ લોકોનાં મોત, નૅશનલ હાઇવે સહિત ૮૦૦ રોડ બંધ, ૩૦૦ કરતાં વધુ પ્રવાસીઓ ફસાયા

પટિયાલામાં સિનિયર સિટિઝન મહિલાને સલામત સ્થળે લઈ જતા આર્મીના જવાનો.

પટિયાલામાં સિનિયર સિટિઝન મહિલાને સલામત સ્થળે લઈ જતા આર્મીના જવાનો.


દેશના ઉત્તરી ભાગોમાં હાલ ભારે વરસાદ છે. સૌથી વધુ પ્રભાવિત રાજ્ય હિમાચલ પ્રદેશ છે. રાજ્યના મુખ્ય પ્રધાન સુખવિંદર સુખુએ કહ્યું હતું કે ‘ભારે વરસાદને કારણે રાજ્યમાં કુલ ૧૭ લોકોનાં મોત નીપજ્યાં છે અને ૩૦૦૦ કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે. સ્પીતિ અને કુલુ જિલ્લામાં અંદાજે ૩૦૦ પ્રવાસીઓ અને સ્થાનિક લોકો ફસાયા છે. કુદરતના પ્રકોપથી રસ્તાઓ, પાવર ટ્રાન્સફૉર્મર્સ, ઇલેક્ટ્રિક સબ-સ્ટેશન અને પાણી પુરવઠા યોજનાને ભારે નુકસાન થયું છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં તરત રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. તેમ જ અધિકારીઓને વીજળી અને પાણી પુરવઠો તરત શરૂ કરવા સૂચનાઓ આપવામાં આવી છે.’ 
સફરજનની મોસમ નજીક આવી રહી છે તેથી સફરજન ઉગાડતા પ્રદેશોમાં વહેલી તકે રસ્તાઓ શરૂ કરવા પર ભાર મૂક્યો હતો. આ ઉપરાંત શ્રીખંડ મહાદેવની યાત્રાને રોકવાનો આદેશ આપવામાં આવ્યો છે, કારણ કે અહીં છ જણનાં મોત નીપજ્યાં હતાં. 

વડા પ્રધાને આપી મદદની ખાતરી



વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે હિમાચલ પ્રદેશના મુખ્ય પ્રધાનને ફોન કરીને તમામ પ્રકારની મદદ કરવાની ખાતરી આપી હતી. તેમણે પૂરને કારણે જાનમાલને થયેલા નુકસાન વિશે પૂછપરછ કરી હતી. 


દિલ્હીમાં અલર્ટ

યમુના નદી ગઈ કાલે સાંજે પાંચ વાગ્યે ૨૦૫.૩૩ મીટરના ખતરાના નિશાનથી ઉપર વહી રહી હતી. જૂના રેલવે-બ્રિજ પાસે સપાટી ૨૦૫.૪ મીટરની હતી. ફ્લડ કન્ટ્રોલ ડિપાર્ટમેન્ટના જણાવ્યા પ્રમાણે ૨,૧૪,૬૭૭ ક્યુસેક પાણી બપોરે ત્રણ વાગ્યે હરિયાણાના હથની કુંડ ડૅમમાંથી છોડવામાં આવ્યું હતું. દિલ્હીના પ્રધાન સૌરભ ભારદ્વાજે કહ્યું કે સરકાર કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા તૈયાર છે. વરસાદને કારણે આજે પણ તમામ સ્કુલોમાં રજા રહેશે. 


હિમાચલ પ્રદેશના મનાલીમાં ભારે વરસાદને કારણે આવેલાં પૂરમાં એક હોટેલ ધરાશાયી થઈને તણાઈ ગઈ હતી. 

હરિયાણાનો સંપર્ક તૂટ્યો

હરિયાણાના ઘણા જિલ્લાઓમાં સતત વરસાદ વરસી રહ્યો છે અને એને કારણે પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે જેથી ૬ જિલ્લાઓમાં રેડ અલર્ટ જાહેર કરાઈ છે. ભારે વરસાદને કારણે અંબાલામાં જીટી રોડ બંધ કરી દેવાયો છે. અંબાલામાં ૬ ફુટ જેટલાં પાણી હાઇવે પર પહોંચી ગયાં છે એને કારણે હરિયાણાનો પંજાબ સાથેનો સંપર્ક તૂટી ગયો છે. સોમવારે કુરુક્ષેત્ર રેલવે-સ્ટેશને સંપર્ક ક્રાન્તિ ટ્રેનને રોકવાની ફરજ પડી હતી, જેને કારણે ૫૦૦ પ્રવાસીઓ ફસાઈ ગયા હતા. અન્ય ટ્રેનો પણ આગળ જઈ શકી નહોતી, પરિણામે રેલવે-સ્ટેશન પર પ્રવાસીઓની ભારે ભીડ જમા થઈ ગઈ હતી.

પંજાબમાં રાહતકાર્ય

પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માને ગઈ કાલે વરસાદથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને રાહતકાર્ય તથા બચાવકાર્ય કરનારા લોકો સાથે વાતચીત કરી હતી. મુખ્ય પ્રધાને પરિસ્થિતિને ગંભીર ગણાવી હતી, પરંતુ રાજ્ય સરકાર લોકોને બનતી મદદ કરશે એવી હૈયાધારણ આપી હતી. જોકે આ પરિસ્થિતિમાં કેન્દ્રની મદદની જરૂર નથી.

યુપીમાં ત્રણનાં મોત

ભારે વરસાદને કારણે ઉત્તર પ્રદેશના હાપુર અને બદાયૂં જિલ્લામાં છત તૂટી પડવાને કારણે કુલ ત્રણ જણનાં મોત નીપજ્યાં છે. સતત પડેલા વરસાદને કારણે ઇટાવામાં મહત્ત્વના રોડ પર પાણી ભરાઈ જવાને કારણે ટ્રાફિક જૅમ થઈ ગયો છે. 

Whatsapp-channel Whatsapp-channel

11 July, 2023 11:51 AM IST | Shimla | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK