ભોલે બાબા શ્રદ્ધાળુઓને બચાવવાને બદલે સત્સંગના સ્થળેથી ભાગીને મૈનપુરીના પોતાના આલીશાન આશ્રમમાં છુપાઈ ગયો હતો
પાખંડી નારાયણ સાકાર હરિ
જોકે ત્યાંથી તે ક્યાં જતો રહ્યો એની કોઈને ખબર નથી: નવાઈની વાત એ છે કે પોલીસ-ફરિયાદમાં તેનું નામ નથી: ગઈ કાલે છ જણની કરવામાં આવી ધરપકડ: આ કેસના મુખ્ય આરોપી અને સત્સંગના આયોજક દેવ પ્રકાશ મધુકરની જાણકારી આપનારને એક લાખ રૂપિયાનું ઇનામ આપવાની પોલીસે કરી જાહેરાત
ADVERTISEMENT
ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં ભોલે બાબાના નામે ઓળખાતા પાખંડી નારાયણ સાકાર હરિએ રાખેલા સત્સંગમાં ૧૨૧ લોકોના જીવ ગયા બાદ હવે નાસભાગ મચ્યા બાદ શું થયું હતું એની થોડી ઘણી માહિતી બહાર આવી રહી છે.
મંગળવારે બપોરે ૧.૪૦ વાગ્યાની આસપાસ ભાગદોડની ઘટના બની ત્યારે ત્યાં રોકાઈને લોકોનું માર્ગદર્શન કરીને જાનહાનિ થતી રોકવાને બદલે ભોલે બાબા પોતાના કાફલા સાથે ત્યાંથી ભાગી ગયો હતો. જો એ સમયે તેણે ભાગવાને બદલે શ્રદ્ધાળુઓને સંબોધીને શાંતિ રાખવાનું કહ્યું હોત તો આટલી મોટી જાનહાનિ ન થઈ હોત એવું પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે.
ઘટનાસ્થળેથી ભાગીને તે મૈનપુરીમાં આવેલા પોતાના આશ્રમ જઈ રહ્યો હતો ત્યારે ૨.૪૭ વાગ્યે તેને પોતાના વિશ્વાસુ અને આ સત્સંગના આયોજક દેવ પ્રકાશ મધુકરનો ફોન આવ્યો હતો. તેમની વચ્ચે લગભગ બે મિનિટ વાત થઈ હતી. આટલી મોટી હોનારતની જાણ થયા બાદ પણ તે પોતાના આશ્રમ જતો રહ્યો હતો. સ્થાનિકોનું કહેવું છે કે તેમણે ભોલે બાબાને આશ્રમમાં જતા જોયો હતો, પણ ત્યાર બાદ તે ક્યાં જતો રહ્યો એની કોઈને ખબર નથી.
પોલીસે આ ઘટનાના બે દિવસ બાદ ગઈ કાલે ૬ જણની ધરપકડ કરીને ભાગતા ફરતા મુખ્ય આરોપી દેવ પ્રકાશ મધુકરની જાણકારી આપનારને એક લાખ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરી છે. જોકે નવાઈની વાત એ છે કે પોલીસે દાખલ કરેલી ફરિયાદમાં ભોલે બાબાનું નામ નથી. ઉત્તર પ્રદેશ પોલીસનું કહેવું છે કે અમને જરૂર લાગશે તો અમે ભોલે બાબાને પૂછપરછ માટે બોલાવીશું.