૯૩મા ભારતીય વાયુસેના દિવસ નિમિત્તે ગાઝિયાબાદના હિંડન ઍરબેઝ પર S-400થી રફાલ ફાઇટર જેટ સુધીનાં અત્યાધુનિક હથિયારો સાથે પરેડમાં જોવા મળી ઑપરેશન સિંદૂરની ઝલક
ગઈ કાલે હિંડન ઍરબેઝ પર અત્યાધુનિક હથિયારોનું શૌર્ય-પ્રદર્શન થયું હતું.
ભારતીય વાયુસેનાના સૌથી મોટા અને સૌથી મહત્ત્વપૂર્ણ ઍરબેઝમાંના એક હિંડન ઍરબેઝ પર ગઈ કાલે ૯૩મા વાયુસેના દિવસે ગ્રૅન્ડ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. ૮ ઑક્ટોબરે ભારતીય વાયુસેના (IAF)ના સ્થાપના દિવસને ભારતીય વાયુસેના દિવસ તરીકે ઊજવવામાં આવે છે. એમાં IAFની હિંમત, બલિદાન અને બહાદુરીનું સન્માન કરવામાં આવ્યું હતું. ૯૩મા વાયુસેના દિવસની ઉજવણી દરમ્યાન ઑપરેશન સિંદૂરમાં વાયુસેનાના યોગદાનને પણ હાઇલાઇટ કરવામાં આવ્યું હતું. પરેડમાં સુપ્રસિદ્ધ MiG-21ને ખાસ વિદાય આપવામાં આવી હતી. રફાલ, Su-30MKI, C-17 ગ્લોબમાસ્ટર, C-130J સુપર હર્ક્યુલસ, અપાચે ગાર્ડિયન, નેત્રા AEW&C જેવાં ફાઇટર જેટ્સે વાયુસેનાની તાકાત અને તૈયારી દર્શાવી હતી. તિરંગા ફૉર્મેશન ફિનાલે દર્શાવતો ભવ્ય ફ્લાયપાસ્ટ યોજાયો હતો. ગઈ કાલે ઍર ચીફ માર્શલ એ. પી. સિંહે કહ્યું હતું કે ‘ઑપરેશન સિંદૂર દરમ્યાન ભારતીય વાયુસેનાએ શત્રુ પર માત્ર ૪ જ દિવસમાં વિજય મેળવ્યો હતો. ઑપરેશન સિંદૂરમાં આપણા પ્રદર્શને ભારતીયોને ગૌરવ અપાવ્યું છે.’
આ વર્ષે વાયુસેના દિવસની થીમ છે સક્ષમ, સશક્ત અને આત્મનિર્ભરતા. ગઈ કાલે વાયુસેનાના સાહસ અને શૌર્ય માટે ૯૭ વીરતા પુરસ્કાર આપવામાં આવ્યા હતા. આજે વાયુસેના દિવસની ઉજવણી નિમિત્તે ગુવાહાટીમાં હેલિકૉપ્ટરો દ્વારા હવાઈ કરતબોનું પ્રદર્શન થશે.


