સરકારની નવી સિસ્ટમ પછી વ્યક્તિની પરવાનગી વિના કોઈ તમારું સરનામું વાપરી ન શકે એ સુનિશ્ચિત થઈ શકશે.
પ્રતીકાત્મક તસવીર
સરકાર DIGIPIN નામનું ડિજિટલ ઍડ્રેસ માટેનું નવું ફ્રેમવર્ક તૈયાર કરવા જઈ રહી છે જેમાં ઍડ્રેસ કઈ રીતે લખવાનું, કઈ રીતે શૅર કરવાનું એની સિસ્ટમ તૈયાર કરવામાં આવશે. આધાર કાર્ડ અને UPIથી ડિજિટલ પેમેન્ટમાં સરળતા કર્યા પછી હવે સરકાર ઍડ્રેસનું પણ ડિજિટાઇઝેશન કરશે. જેમ આધાર નંબર દરેક નાગરિકની ઓળખ માટે જરૂરી બની ગયો છે એમ આ ડિજિટલ ઍડ્રેસ ID દેશના દરેક ઘર અને જગ્યાની ઓળખને આસાન અને ચોક્કસ બનાવવામાં મદદ કરશે. આ સિસ્ટમથી સરકારી સેવાઓ અને પાર્સલની ડિલિવરી વધુ ઝડપી અને ચોક્કસ બનાવી શકાશે.
આધાર નંબર પછી સરકાર હવે ઍડ્રેસની સિસ્ટમ ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર (DPI)નો હિસ્સો બનાવવાની વેતરણમાં છે. હાલમાં ઍડ્રેસને લઈને કોઈ સિસ્ટમ કે ફૉર્મેટ નથી, એનો કોઈ ડેટા પણ નથી. ઘણી કંપનીઓ લોકોની જાણકારી વિના જ લોકોના ઍડ્રેસ શૅર કરે છે, પણ હવે સરકારની નવી સિસ્ટમ પછી વ્યક્તિની પરવાનગી વિના કોઈ તમારું સરનામું વાપરી ન શકે એ સુનિશ્ચિત થઈ શકશે.
ADVERTISEMENT
આ આખીયે યોજના પર પોસ્ટ વિભાગ કામ કરી રહ્યો છે અને આ સિસ્ટમનો ડ્રાફ્ટ પ્લાન થોડા જ દિવસોમાં લોકોનાં સૂચનો લેવા માટે જાહેર કરવામાં આવશે. ૨૦૨૫ના અંત સુધીમાં આ સિસ્ટમનું ફાઇનલ વર્ઝન તૈયાર કરવાનું આયોજન છે. સંસદના શિયાળુ સત્રમાં આ સિસ્ટમ લાગુ કરવા વિશેનો કાયદો બનાવવાની રજૂઆત થશે.
DIGIPIN શું હશે?
આ ૧૦ કૅરૅક્ટરવાળો એક આલ્ફાન્યુમેરિકલ કોડ હશે જે કોઈ પણ જગ્યાનું સટીક લોકેશન બતાવશે. હાલમાં જે પિનકોડ સિસ્ટમ છે એ એક વિશાળ એરિયાને કવર કરે છે, પરંતુ DIGIPIN એ ખાસ જગ્યા માટે હશે જ્યાં કોઈ બિલ્ડિંગ કે દુકાન છે. ગામ, સ્લમ, જંગલ કે પહાડી વિસ્તારોમાં DIGIPINથી હવે દેશના દરેક ખૂણાને એક યુનિક ડિજિટલ ઍડ્રેસ મળશે.

