સિક્યૉરિટી એજન્સીઓ તરત ઍક્શન મોડમાં આવી, આ ડ્રાઇવરે બાઇડનની હોટેલમાં જતાં પહેલાં તેના અન્ય કસ્ટમર્સની સવારી લેવાનું નક્કી કર્યું હતું
ફાઇલ તસવીર
G20 સમિટ માટે જડબેસલાક સુરક્ષા-વ્યવસ્થા વચ્ચે સિક્યૉરિટી પ્રોટોકોલના ભંગનો મામલો બન્યો હતો. અમેરિકન પ્રેસિડન્ટ જો બાઇડનના કાફલાની એક કાર નવી દિલ્હીની એક હોટેલમાં પ્રવેશી હતી જ્યાં યુએઈના ક્રાઉન પ્રિન્સ રોકાયા હતા. ગઈ કાલે સવારે હોટેલ તાજ ખાતે સુરક્ષામાં આ ચૂકને કારણે સિક્યૉરિટી એજન્સીઓના જવાનો તરત જ ઍક્શન મોડમાં આવી ગયા હતા. એ કારના ડ્રાઇવરની પૂછપરછ કરતાં તેમને ખ્યાલ આવ્યો કે આ ડ્રાઇવરે બાઇડનની હોટેલમાં જતાં પહેલાં તેના અન્ય કસ્ટમર્સની સવારી લેવાનું નક્કી કર્યું હતું.
તેણે પોલીસને જણાવ્યું હતું કે મને આઇટીસી મૌર્યમાં સવારે સાડાનવ વાગ્યે પહોંચવા જણાવવામાં આવ્યું હતું, જ્યાં G20ની સમિટ દરમ્યાન પ્રેસિડન્ટ બાઇડન રોકાયા હતા. સવારના સમયે આ ડ્રાઇવરની પાસે સમય હોવાથી તેણે બીજી એક રાઇડ માટે હા પાડી હતી, જેમાં તેનો આ કસ્ટમર સવારે આઠ વાગ્યા સુધી તાજ હોટેલ પહોંચવા ઇચ્છતો હતો. તેનો કસ્ટમર બિઝનેસમૅન હતો. સિક્યૉરિટી એજન્સીઓએ આ કારને હોટેલ તાજમાં અટકાવી હતી ત્યારે તેનો કસ્ટમર કારમાં જ હતો. આ ડ્રાઇવરે જણાવ્યું હતું કે મને સિક્યૉરિટી પ્રોટોકોલ વિશે ખબર નહોતી.
પૂછપરછ બાદ આ ડ્રાઇવરને મુક્ત કરવામાં આવ્યો હતો, પરંતુ એજન્સીઓએ જો બાઇડનના કાફલામાંથી તેને હટાવ્યો હતો.


