FSSAIના જણાવ્યા અનુસાર કેટલાક ફૂડ બિઝનેસ ઑપરેટર્સ તેમની કંપનીના તૈયાર થયેલા ફ્રૂટ જૂસને ‘૧૦૦ ટકા ફ્રૂટ જૂસ’ કહીને ખોટું માર્કેટિંગ કરી રહ્યા છે.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય - AI)
પૅકેજ્ડ ફ્રૂટ જૂસ પર ‘૧૦૦ ટકા ફ્રૂટ જૂસ’ લખીને ગ્રાહકોને ગેરમાર્ગે દોરનારી કંપનીઓ પર ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (FSSAI)એ પસ્તાળ પાડી છે. FSSAIએ તમામ ફૂડ બિઝનેસ ઑપરેટર્સને પોતાની જાહેરાતોમાં ૧૦૦ ટકા ફ્રૂટ જૂસના દાવા અને પૅકેજ્ડ પ્રોડક્ટ્સ પરનાં ભ્રામ લેબલ તાત્કાલિક દૂર કરવાનો નિર્દેશ આપ્યો છે. એ ઉપરાંત ફૂડ બિઝનેસ ઑપરેટર્સ ૧ સપ્ટેમ્બર બાદ પ્રી-પ્રિન્ટેડ પૅકેજિંગ મટીરિયલનો ઉપયોગ નહીં કરી શકે એવું પણ જણાવ્યું હતું. FSSAIના જણાવ્યા અનુસાર કેટલાક ફૂડ બિઝનેસ ઑપરેટર્સ તેમની કંપનીના તૈયાર થયેલા ફ્રૂટ જૂસને ‘૧૦૦ ટકા ફ્રૂટ જૂસ’ કહીને ખોટું માર્કેટિંગ કરી રહ્યા છે. ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્સ (જાહેરાત અને દાવાઓ) રેગ્યુલેશન્સ, ૨૦૧૮ મુજબ ૧૦૦ ટકા દાવો કરવાની કોઈ જોગવાઈ નથી. આવા દાવા ભ્રામક છે, કેમ કે ફ્રૂટ જૂસમાં મોટા ભાગે પાણી હોય છે અને જેને માટે દાવો કરવામાં આવે છે એ મુખ્ય ઘટક મર્યાદિત માત્રામાં હોય છે.’
FSSAIએ જણાવ્યું હતું કે કંપનીઓએ સામગ્રીની સૂચિમાં જૂસની સામે રીકન્સ્ટિટ્યુટેડ શબ્દનો ઉલ્લેખ કરવો આવશ્યક છે. એ ઉપરાંત જો ઍડેડ ન્યુટ્રિટિવ સ્વીટનર ૧૫ ગ્રામથી વધુ હોય તો પ્રોડક્ટ પર ‘સ્વીટન્ડ જૂસ’નું લેબલ પણ હોવું જોઈએ.

