રાજસ્થાનના ઉદયપુરમાં એક ટેલરની ગળું કાપીને કરવામાં આવેલી હત્યાથી સમગ્ર દેશ સ્તબ્ધ થઈ ગયો છે

તસવીર સૌજન્ય: પીટીઆઈ
ઉદયપુર : રાજસ્થાનના ઉદયપુરમાં એક ટેલરની ગળું કાપીને કરવામાં આવેલી હત્યાથી સમગ્ર દેશ સ્તબ્ધ થઈ ગયો છે. જે રીતે આ હત્યાકાંડ કરવામાં આવ્યો છે એને લઈને દેશની સુરક્ષા એજન્સીઓ એને આતંકવાદી ઘટના ગણી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ હત્યા નૂપુર શર્માની તરફેણમાં એક ફેસબુક પોસ્ટથી નારાજ થઈને કરવામાં આવી છે. આરોપીઓએ હત્યાનો એક વિડિયો પણ બનાવ્યો હતો. બાદમાં એક અન્ય વિડિયોમાં તેમણે હત્યાની વાત સ્વીકારી હતી. જોતજોતામાં આ વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ ગયો હતો. આ હત્યાનો રાજસ્થાનમાં ખૂબ જ વિરોધ કરવામાં આવ્યો છે, જેના લીધે રાજસ્થાનમાં આગામી ૨૪ કલાક સુધી ઇન્ટરનેટ બંધ રહેશે અને ૧૪૪મી કલમ લાગુ થશે.
રશિયાએ બાઇડનનાં પત્ની અને દીકરી પર પ્રતિબંધ મૂક્યો
મૉસ્કો (એ.પી.) : યુક્રેન સામે યુદ્ધ કરવા બદલ અમેરિકા અને યુરોપિયન દેશો સતત રશિયા પર આકરા પ્રતિબંધો મૂકી રહ્યા છે. રશિયાએ ગઈ કાલે અમેરિકન પ્રેસિડન્ટ જો બાઇડનનાં પત્ની અને દીકરી પર રશિયામાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દીધો છે. રશિયાના વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે જેમના પર રશિયામાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે એવા લિસ્ટમાં બાઇડનનાં પત્ની જિલ અને દીકરી એશ્લે સહિત ૨૫ નામ ઉમેરવામાં આવ્યાં છે.
આદેશ છતાં અદાણીના કેસનું લિસ્ટિંગ ન થતાં સુપ્રીમ કોર્ટ નારાજ
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટના આદેશ છતાં સુનાવણી માટે કેસ રજિસ્ટર ન થતાં સુપ્રીમ કોર્ટ દ્વારા નારાજગી વ્યક્ત કરાઈ હતી તેમ જ જણાવ્યું હતું કે નિર્ધારિત પ્રક્રિયા મુજબ કેસની નોંધણી કરવામાં આવશે. વેકેશન બેન્ચ દ્વારા ગઈ કાલે આદેશ આપ્યો હોવા છતાં રજિસ્ટ્રી દ્વારા જણાવાયું હતું કે કેસની નોંધણી થઈ શકે એમ નથી. બૉમ્બે હાઈ કોર્ટના આદેશ સામે અદાણી પોર્ટ ઍન્ડ સ્પેશ્યલ ઇકૉનૉમી ઝોન દ્વારા કરાયેલી અરજીને તરત સુનાવણી હાથ ધરાય એવી રજૂઆત સિનિયર ઍડ્વોકેટ અભિષેક મનુ સિંધવી દ્વારા કરાઈ હતી.