કંપનીએ કર્ણાટક હાઈ કોર્ટમાં સરકાર વિરુદ્ધ અરજી દાખલ કરીને ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી (IT) ઍક્ટની કલમ 79(3)(B)ની બંધારણીયતાને પડકારી છે.
ઇલોન મસ્ક
ઈલૉન મસ્કની માલિકીની સોશ્યલ મીડિયા કંપની ઍક્સ (ભૂતપૂર્વ ટ્વિટર) કૉર્પે ભારત સરકાર સામે કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે. કંપનીએ કર્ણાટક હાઈ કોર્ટમાં સરકાર વિરુદ્ધ અરજી દાખલ કરીને ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી (IT) ઍક્ટની કલમ 79(3)(B)ની બંધારણીયતાને પડકારી છે. ઍક્સનું કહેવું છે કે આ કલમ ગેરકાયદે અને અમર્યાદિત સેન્સરશિપનું માળખું ઊભું કરે છે જેને કારણે સરકાર દ્વારા કન્ટેન્ટને બ્લૉક કરવામાં આવતા પ્લૅટફૉર્મની કામગીરી પર ખરાબ અસર પડી રહી છે. કંપનીએ પોતાની અરજીમાં જણાવ્યું કે કોઈ પણ કન્ટેન્ટને હટાવવા માટે સરકાર દ્વારા લેખિતમાં યોગ્ય કારણો આપવાં જરૂરી છે. આ ઉપરાંત નિર્ણય લેતાં પહેલાં અસરગ્રસ્ત પક્ષને પોતાની વાત રજૂ કરવાની યોગ્ય તક એટલે કે સુનાવણીની વ્યવસ્થા પણ હોવી જોઈએ. મહત્ત્વની વાત એ છે કે આ ઘટના એવા સમયે બની છે જ્યારે કેન્દ્રીય માહિતી અને ટેક્નૉલૉજી મંત્રાલયે ઍક્સ પાસે એના આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત ચૅટબૉટ Grok અંગે ખુલાસો માગ્યો છે. સરકારને Grok દ્વારા ઘણા પ્રશ્નોના જવાબમાં ઉપયોગમાં લેવાતી અપમાનજનક ભાષા અંગે વાંધો છે અને આ બાબતે કંપની પાસેથી સ્પષ્ટતા માગવામાં આવી છે.


