BJPના ભૂતપૂર્વ સાથીએ ગવર્નરને પત્ર લખીને કરી માગણી
દુષ્યંત ચૌટાલા
રાજ્ય વિધાનસભામાં ફ્લોર-ટેસ્ટની માગણી કરીને હરિયાણાના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન, જનનાયક જનતા પાર્ટીના પ્રેસિડન્ટ અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના અગાઉના સાથી દુષ્યંત ચૌટાલાએ ગવર્નરને પત્ર લખ્યો છે. ત્રણ અપક્ષ વિધાનસભ્યોએ રાજ્ય સરકારને આપેલો ટેકો પાછો ખેંચી લેતાં રાજકીય ઊથલપાથલ વચ્ચે દુષ્યંત ચૌટાલાના આ નિર્ણયને હરિયાણાની BJP સરકારને પાડવાના બદઇરાદા સાથે જોડીને જોવામાં આવી રહ્યો છે. જોકે નોંધનીય વાત એ છે કે દુષ્યંત ચૌટાલાની પાર્ટીમાં ભંગાણના અણસાર જોવા મળી રહ્રાં છે. તેમની પાસે ૧૦ વિધાનસભ્યો છે.
ચૌટાલાએ પત્રમાં જણાવ્યું છે કે તાજેતરનાં રાજીનામાં પછી અને ટેકો પાછો ખેંચી લેવાતાં શાસક BJP યુતિ લઘુમતીમાં મુકાઈ ગઈ છે. હરિયાણા વિધાનસભાની કુલ ૯૦ બેઠકો છે, પરંતુ હાલ ૮૮ સભ્યો છે. બહુમતી માટે ૪૫ સભ્યો આવશ્યક છે, જયારે BJP છ અપક્ષ ઉમેદવારો પૈકી ત્રણ સભ્યોના ટેકા સહિત ૪૩ વિધાનસભ્યોનો ટેકો જ ધરાવે છે. અર્થાત્ બહુમતી હાંસલ કરવા તેને બે ઉમેદવાર ખૂટે છે. ત્રણ અપક્ષ ઉમેદવારના ટેકા સહિત કૉન્ગ્રેસ ૩૦ સભ્યો ધરાવે છે અને ચૌટાલાની જનનાયક જનતા પાર્ટી (JJP) ટેકો આપે તો તેના વિધાનસભ્યોની સંખ્યા વધીને ૪૩ પર પહોંચશે. જોકે હરિયાણા લોકહિત પાર્ટી અને ઇન્ડિયન નૅશનલ લોકદળ (INLD)ના એક–એક વિધાનસભ્ય કોઈની સાથે જોડાયેલા નથી.