૨૦૧૮ની ચૂંટણી દરમ્યાન જપ્ત કરવામાં આવેલી વસ્તુઓ કરતાં આની કિંમત સાતગણી વધારે છે
ત્રીજી નવેમ્બરના રાયપુરની એક હોટેલમાં પાર્ક કરવામાં આવેલી કારમાંથી મળેલી રોકડ રકમ
ચૂંટણી પંચે ગઈ કાલે જણાવ્યું હતું કે જે પાંચ રાજ્યોમાં ચૂંટણી યોજાઈ રહી છે ત્યાં પોલીસ તેમ જ અન્યો દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં કુલ ૧૭૬૦ કરોડ રૂપિયાની રોકડ, દારૂ અને ભેટસોગાદની વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. ૨૦૧૮ની ચૂંટણી દરમ્યાન જપ્ત કરવામાં આવેલી વસ્તુઓ કરતાં આની કિંમત સાતગણી વધારે છે. મિઝોરમ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને તેલંગણમાં હાલ ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે. ચૂંટણી પંચ દ્વારા નિષ્પક્ષ ચૂંટણી યોજાય એ માટે કરવામાં આવેલી કાર્યવાહી દેખાડે છે.
૩૦ નવેમ્બરના તેલંગણમાં મતદાન યોજાશે ત્યાં સૌથી વધુ ૬૫૯.૨ કરોડની વિવિધ વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી. ત્યાર બાદ રાજસ્થાનમાંથી ૬૫૦.૭ કરોડની કિંમતની વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી જ્યાં ૨૫ નવેમ્બરના મતદાન થવાનું છે. મિઝોરમ, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશમાં મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. પાંચેય રાજ્યોનું ચૂંટણી પરિણામ ત્રીજી ડિસેમ્બરના જાહેર કરવામાં આવશે. મધ્ય પ્રદેશમાંથી ૩૨૩.૭ કરોડ, છત્તીસગઢમાંથી ૭૬ કરોડ અને મિઝોરમમાંથી ૪૯.૬ કરોડની વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી.
ADVERTISEMENT
બીજેપીને મળ્યું ૨૫૬ કરોડ રૂપિયાનું દાન
વિવિધ કૉર્પોરેટ કંપનીઓ દ્વારા રાજકીય પક્ષોને ફન્ડ આપવા માટે બનાવવામાં આવેલા પ્રુડન્ટ ઇલેક્ટોરલ ટ્રસ્ટ દ્વારા ગયા નાણાકીય વર્ષમાં બીજેપીને ૨૫૬.૨૫ કરોડ રૂપિયા આપ્યા હતા, તો બીઆરએસને ૯૦ કરોડ રૂપિયા અને વાયએસઆર કૉન્ગ્રેસને ૧૬ કરોડ રૂપિયાની ફાળવણી કરી હતી. ગયા વર્ષે કુલ ૩૬૩.૧૫ કરોડ રૂપિયાનું દાન વિવિધ રાજકીય પક્ષોને આપવામાં આવ્યું હતું. સૌથી વધુ ૭૦.૫૬ ટકા દાન બીજેપીને મળ્યું હતું. આમ આદમી પાર્ટીને ૯૦ લાખ રૂપિયા મળ્યા હતા.