ડેરા સચ્ચા સૌદાના ચીફ ગુરમીત રામ રહીમને ચાર વર્ષમાં બારમી વાર પરોલ પર છોડવામાં આવ્યો
ગુરમીત રામ રહીમ સિંહ
ડેરા સચ્ચા સૌદાના વિવાદાસ્પદ વડા ગુરમીત રામ રહીમ સિંહને ગયાં ચાર વર્ષમાં બારમી વાર ગઈ કાલે પરોલ પર છોડવામાં આવ્યો છે. તે ૩૦ દિવસ જેલની બહાર રહેશે. તેની બે અનુયાયીઓ પર બળાત્કારના કેસમાં ગુરમીત રામ રહીમને ૨૦૧૭ના ઑગસ્ટ મહિનામાં ૨૦ વર્ષની જેલની સજા કરવામાં આવી છે અને તેને હરિયાણામાં રોહતકની હાઈટેક સુનરિયા જેલમાં રાખવામાં આવ્યો છે. સુનરિયા જેલ ચંડીગઢથી ૨૫૦ કિલોમીટર દૂર રોહતકમાં આવેલી છે.
આ વખતે ફર્લોમાં તે સિરસામાં આવેલા ડેરાના આશ્રમમાં ૧૦ દિવસ રહેશે. ત્યાર બાદ તે ઉત્તર પ્રદેશના બાગપત જવા રવાના થશે. સજા થયા બાદ તે પહેલી વાર સિરસા જશે.
ADVERTISEMENT
ગયા વર્ષે પાંચમી ઑક્ટોબરે હરિયાણાની વિધાનસભાની ચૂંટણી પહેલાં તેને ૨૦ દિવસની પરોલ આપવામાં આવી હતી. મતદાનના ચાર દિવસ પહેલાં તેને છોડવામાં આવ્યો હતો. પંજાબ અને હરિયાણામાં તેના ઘણા અનુયાયી છે અને તે તેમના પર પ્રભુત્વ ધરાવે છે. મતદાનમાં તે ઘણો પ્રભાવ પાથરી શકે છે.
છેલ્લી વાર તે ગયા ઑક્ટોબરમાં પરોલ પર બહાર આવ્યો ત્યારે તેણે દિવંગત પિતાની પુણ્યતિથિ નિમિત્તે જેલમાંથી બહાર આવવાની માગણી કરી હતી.


