દિલ્હી, બૅન્ગલોર, કલકત્તા અને હૈદરાબાદમાં ફ્લાઇટ્સ સર્વિસિસ પ્રભાવિત થઈ
ગુરુગ્રામમાં ગઈ કાલે ગાઢ ધુમ્મ્સને કારણે ઓછી વિઝિબિલિટી વચ્ચે પસાર થઈ રહેલા લોકો.
નવી દિલ્હીઃ દિલ્હી અને બૅન્ગલોર સહિત દેશનાં અનેક રાજ્યોની સિટીઝમાં ગઈ કાલે સવારે ગાઢ ધુમ્મસ છવાયું હતું. ક્રિસમસના સેલિબ્રેશન વખતે જ ખરાબ હવામાનને કારણે અનેક ફ્લાઇટ્સ ખોરવાઈ ગઈ હતી અને અનેક રાજ્યોમાં ધુમ્મસને કારણે અકસ્માતો થયા હતા.
દિલ્હી ઍરપોર્ટ પર ગઈ કાલે ગાઢ ધુમ્મસને કારણે ફ્લાઇટ્સને અસર થઈ હતી. દેશની રાજધાનીના કેટલાક વિસ્તારોમાં તો વિઝિબિલિટી શૂન્ય હતી. ઍરપોર્ટ ઑથોરિટીઝે કૅટ-૩ ઇન્સ્ટ્રુમેન્ટ લૅન્ડિંગ સિસ્ટમ નામની ધુમ્મસ વિરોધી લૅન્ડિંગ સિસ્ટમને ઍક્ટિવેટ કરી હતી. રનવે પર વિઝિબિલિટી લેવલ ઓછું હોય ત્યારે આ સિસ્ટમથી ચોકસાઈથી ફ્લાઇટ્સને લૅન્ડિંગ કરાવવામાં મદદ મળે છે. હવામાન વિભાગ અનુસાર દિલ્હીમાં તાપમાન ઘટીને ૯.૪ ડિગ્રી સેલ્સિયસ પહોંચ્યું હતું. નવી દિલ્હીમાં જ નહીં, પરંતુ બૅન્ગલોર, કલકત્તા અને હૈદરાબાદમાં પણ ગાઢ ધુમ્મસને કારણે ગઈ કાલે ફ્લાઇટ્સને અસર થઈ હતી. દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ તરફ જતી આઠ ફ્લાઇટ્સને ગાઢ ધુમ્મસને કારણે ડાઇવર્ટ કરવામાં આવી હતી. જેમાંથી સાત ફ્લાઇટ્સને જયપુરમાં, જ્યારે એક ફ્લાઇટને અમદાવાદમાં ડાઇવર્ટ કરવામાં આવી હતી. બૅન્ગલોરમાં પણ ગાઢ ધુમ્મસની જ સ્થિતિ હતી. હૈદરાબાદમાં પણ પ્રતિકૂળ હવામાનની સ્થિતિને કારણે બૅન્ગલોર અને મુંબઈથી હૈદરાબાદ જતી બે ફ્લાઇટ્સ પાછી તેમના ડિપાર્ચર સ્ટેશન્સ પર રિટર્ન થઈ હતી. કલકત્તાના નેતાજી સુભાષ ચન્દ્ર બોઝ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર પણ ગઈ કાલે સવારે ઓછી વિઝિબિલિટીને કારણે ફ્લાઇટ્સ ડિલે થઈ હતી.
ADVERTISEMENT
આ રાજ્યોમાં અકસ્માતો થયા
ઉત્તર પ્રદેશ
ગુજરાતના રાજકોટથી બલરામપુર જિલ્લામાં જઈ રહેલી એક ડબલ ડેકર બસ વિરુદ્ધ દિશામાં આવી રહેલી ટ્રક સાથે ટકરાઈ હતી, જેમાં ત્રણ પૅસેન્જર્સનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે પચીસ પૅસેન્જર્સને ઈજા થઈ હતી. ઉત્તર પ્રદેશમાં બહરાઇચ બલરામપુર હાઇવેના ધરસવા ગામની પાસે આ અકસ્માત થયો હતો.
રાજસ્થાન
રાજસ્થાન ફરવા ગયેલા ચાર ફ્રેન્ડ્સની કારને નૅશનલ હાઇવે પર એક અજાણ્યા વેહિકલે ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરઘાણ થઈ ગયો હતો, જેમાં ત્રણ ફ્રેન્ડ્સનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે એક જણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે. બાડમેર જિલ્લાના ધોરીમન્ના નૅશનલ હાઇવે પર સવારે છ વાગ્યે આ અકસ્માત થયો હતો. ૪૯ વર્ષના ઈજાગ્રસ્ત વિષ્ણુભાઈની ડિસામાં સારવાર ચાલી રહી છે.
તેલંગણ
તેલંગણના નાલગોંદા જિલ્લામાં ગાઢ ધુમ્મસને કારણે બે અલગ-અલગ રોડ ઍક્સિડન્ટ્સમાં છ લોકોનાં મોત નીપજ્યાં હતાં અને અન્ય ત્રણને ઈજા પહોંચી હતી.
હરિયાણા
હરિયાણામાં ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું. અહીં રોહતકથી જિંદ જઈ રહેલી એક બસની ટ્રક સાથે ટક્કર થઈ હતી, જેમાં અનેક પૅસેન્જર્સને ઈજા થઈ છે.
