હત્યા, લૂંટ, બળાત્કાર અને ડ્રગ્સની હેરાફેરી જેવા ગંભીર ગુનાઓના આ આરોપીઓનું હવે આવી બનશે
પ્રતીકાત્મક તસવીર
કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)ની ૨૦ જુલાઈની સંસદકૂચ વખતે થયેલી ભારે હિંસા અને પોલીસ પરના હુમલાના કેસમાં ત્યાં જોવા મળેલા ૯૮૯ હિસ્ટરીશીટર્સ સામે પગલાં લેવા માટે દિલ્હી પોલીસે ૨૦ ટીમ બનાવી છે.
આ હિંસાના મુદ્દે કરવામાં આવેલી દિલ્હી પોલીસની તપાસમાં અનેક ચોંકાવનારાં તથ્યો બહાર આવ્યાં છે. પોલીસ કમિશનર અનુરાગ કુમારે ગૃહમંત્રાલયને સુપરત કરેલા વિગતવાર અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે સંસદકૂચના નામે થયેલી હિંસામાં માત્ર સામાન્ય પ્રદર્શનકારીઓ જ નહીં, ઘણા કુખ્યાત અને રીઢા ગુનેગારો પણ સામેલ હતા. જંતર મંતર પર ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરા અને ફેશ્યલ રેકગ્નિશન ટેક્નૉલૉજી (FRS)ના પગલે જોવા મળેલા જૂના ગુનાહિત રેકૉર્ડ ધરાવતા ૯૮૯ લોકોની ધરપકડ કરવા માટે ૨૦ ટીમ બનાવવામાં આવી છે. આ તમામ પર હત્યા, લૂંટ, બળાત્કાર અને ડ્રગ્સની હેરાફેરી જેવા ગંભીર ગુનાનો આરોપ છે.
ADVERTISEMENT
દિલ્હી પોલીસના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર આયોજકોને જંતર મંતર પર શાંતિપૂર્ણ પ્રદર્શન માટે જ મંજૂરી આપવામાં આવી હતી જેમાં સંસદ તરફ કૂચની પરવાનગી નહોતી.
