Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > કાતિલ બિલ્ડિ‍ંગમાંથી ૧૨ જણને જીવતા કાઢવામાં આવ્યા

કાતિલ બિલ્ડિ‍ંગમાંથી ૧૨ જણને જીવતા કાઢવામાં આવ્યા

Published : 08 September, 2026 10:01 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દિલ્હીમાં રવિવારે તૂટી પડેલા બિલ્ડિંગમાં ૨૭ કલાક પછી બચાવકાર્ય પૂરું કરવામાં આવ્યું, જીવ ગુમાવનારા સાત જણમાં પાંચ સ્ટુડન્ટ્સ: ૮૧ વર્ષના માલિક હરિરામ ગુપ્તા, તેમનાં પત્ની અને પુત્રની ધરપકડ

ગઈ કાલે સર્ચ-ઑપરેશનમાં નૅશનલ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સે સ્નિફર-ડૉગની પણ મદદ લીધી હતી.

ગઈ કાલે સર્ચ-ઑપરેશનમાં નૅશનલ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સે સ્નિફર-ડૉગની પણ મદદ લીધી હતી.


દક્ષિણ દિલ્હીના સત્ય નિકેતન વિસ્તારમાં રવિવારે બપોરે દોઢ વાગ્યે પાંચ માળનું પેઇંગ ગેસ્ટ (PG) બિલ્ડિંગ ધરાશાયી થયા બાદ બચાવ-કામગીરી ૨૭ કલાક પછી ગઈ કાલે પૂરી થઈ હતી. બચાવકાર્યમાં કુલ ૧૨ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. એમાં પેઇંગ ગેસ્ટ તરીકે રહેતા પાંચ વિદ્યાર્થીઓ સહિત ૭ લોકોએ જીવ ગુમાવ્યો છે. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર પાંચ જણ ઘાયલ છે, જેમાંથી ત્રણની હાલત ગંભીર છે. આ અચાનક બનેલી ઘટનાને કારણે બિલ્ડિંગની અંદર રહેલા લોકોને બહાર નીકળવાની પણ તક મળી નહોતી અને તેઓ કાટમાળ નીચે દટાઈ ગયા હતા. દિલ્હી યુનિવર્સિટીના સાઉથ કૅમ્પસ નજીક અને શ્રી વેન્કટેશ્વર કૉલેજની સામે આવેલા આ બિલ્ડિંગના બેઝમેન્ટમાં સમારકામનું કામ ચાલી રહ્યું હતું ત્યારે આ બિલ્ડિંગ તૂટી પડ્યું હતું.

મકાનમાલિકની ધરપકડ
આ બિલ્ડિંગના ૮૧ વર્ષના માલિક હરિરામ ગુપ્તાની રાજસ્થાનના ભિવાડીમાંથી ધરપકડ કરવામાં આવી હતી. હરિરામની ધરપકડ બાદ પોલીસે તેના બાવન વર્ષના પુત્ર મહેશ અને ૭૫ વર્ષની પત્ની ઊર્મિલાની પણ ધરપકડ કરી હતી. હરિરામ અને મહેશના નામે વીજળી-કનેક્શન હતું, જ્યારે દસ્તાવેજોમાં બિલ્ડિંગની માલિકી હરિરામની પત્ની ઊર્મિલાના નામે નોંધાયેલી હતી. હરિરામ ગુપ્તા ઇન્ડિયન અૅર ફોર્સના રિટાયર્ડ સાર્જન્ટ છે.



સુધરાઈના પાંચ અધિકારીઓ સસ્પેન્ડ
આ કેસમાં દિલ્હી સુધરાઈના પાંચ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એમાં સુધરાઈના ડેપ્યુટી કમિશનર, એક્ઝિક્યુટિવ એન્જિનિયર, સુપરિન્ટેન્ડિંગ એન્જિનિયર, અસિસ્ટન્ટ એન્જિનિયર અને જુનિયર એન્જિનિયરનો સમાવેશ છે. મુખ્ય પ્રધાન રેખા ગુપ્તાએ સ્પષ્ટપણે કહ્યું હતું કે આ મામલે બેદરકારી દાખવનાર કોઈ પણ વ્યક્તિને બક્ષવામાં આવશે નહીં. 


ઉચ્ચ સ્તરની તપાસનો દિલ્હી હાઈ કોર્ટનો આદેશ 
દિલ્હી હાઈ કોર્ટે આ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવીને સુધરાઈને ઉચ્ચતમ એક્ઝિક્યુટિવ સ્તરે તપાસ કરવાનો નિર્દેશ આપ્યો છે. દિલ્હી હાઈ કોર્ટે અવલોકન કર્યું કે આ ઘટના થવાની જવાબદારી ફક્ત બિલ્ડિંગના માલિકની નથી, આ માટે દિલ્હી યુનિવર્સિટી અને સુધરાઈ પણ એટલાં જ જવાબદાર છે.

કાટમાળ નીચે ફસાયેલા વિદ્યાર્થીએ ૧૦ સેકન્ડનો વિડિયો રેકૉર્ડ મોકલ્યો
પાંચ માળનું PG બિલ્ડિંગ ધરાશાયી થયા બાદ કાટમાળ નીચે ફસાયેલા દિલ્હી યુનિવર્સિટીના વિદ્યાર્થી આદિત્ય કુમારે મદદ માગતો ૧૦ સેકન્ડનો વિડિયો રેકૉર્ડ કર્યો હતો. ARSD કૉલેજમાં બૅચલર ઑફ કૉમર્સ (BCom)ના પ્રથમ વર્ષના વિદ્યાર્થી આદિત્ય કુમારને બાદમાં બચાવી લેવામાં આવ્યો હતો અને તેની હાલત સ્થિર છે.


૧૮ વર્ષના ટીનેજરના પરિવારે દીકરાના કૉર્નિયા દાન કરીને બીજાના જીવનમાં રોશની ફેલાવી

રક્ષાબંધનની રજાઓ ગાળીને રવિવારે સવારે જ PGમાં પાછા ફરેલા અર્પિતને બપોરે કાળ ભરખી 
પોતાનો જુવાનજોધ દીકરો ગુમાવવાનું દુઃખ કોઈ પણ માતા-પિતા માટે અસહ્ય હોય છે, પરંતુ મધ્ય પ્રદેશના દેવાસના એક પરિવારે આઘાત વચ્ચે પણ પ્રેરણાદાયક નિર્ણય લીધો હતો. દિલ્હીના સાઉથ કૅમ્પસ નજીક સત્ય નિકેતન વિસ્તારમાં રવિવારે બપોરે એક પેઇંગ ગેસ્ટ (PG) બિલ્ડિંગ ધરાશાયી થતાં ૧૮ વર્ષના અર્પિતનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. રક્ષાબંધનની રજાઓ ગાળીને રવિવારે સવારે જ PGમાં પાછા ફરેલા અર્પિતના પરિવારે તેના કૉર્નિયા દાન કરવાનો અત્યંત ઉમદા નિર્ણય લીધો હતો. તેના પિતાએ ભારે હૈયે જણાવ્યું હતું કે મારો દીકરો ભલે દુનિયા છોડી ગયો, પરંતુ તેની આંખોથી કોઈ અન્ય વ્યક્તિ આ દુનિયા જોઈ શકશે.

Whatsapp-channel Whatsapp-channel

08 September, 2026 10:01 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK