બધા એક્ઝિટ પોલ BJPની સરકારની આગાહી કરી રહ્યા છે ત્યારે આપના ઉમેદવારોને ખરીદવા માટે ઑપરેશન-લોટસ શરૂ થયું હોવાના દાવાથી ચકચાર
પ્રતીકાત્મક તસવીર
દિલ્હી વિધાનસભા ચૂંટણીનાં પરિણામો આજે જાહેર થશે. પરિણામોની પૂર્વસંધ્યાએ તમામ રાજકીય પક્ષો જીતના દાવાઓ વચ્ચે ખાંડાં ખખડાવી રહ્યા હતા, પણ એક્ઝિટ પોલ તો BJPની જીત દર્શાવી રહ્યા છે. આમ આદમી પાર્ટી (AAP-આપ)એ જીતના આત્મવિશ્વાસ સાથે એના ઉમેદવારોને BJP લલચાવી રહી હોવાનો આક્ષેપ લગાવતાં રાજનીતિ ગરમાઈ ગઈ છે.
અરવિંદ કેજરીવાલે કહ્યું કે ‘જો BJP જીતી રહી છે તો પછી અમારા ઉમેદવારોને ખરીદવા માટે ધમપછાડા કેમ કરી રહી છે? એનો સીધો અર્થ થાય છે કે BJP નહીં પરંતુ અમે જીતી રહ્યા છીએ. BJP બહુમતીના આંકડા ૩૬ સુધી પણ પહોંચી શકવા અસમર્થ રહેશે.’
જો BJPની જીત થાય છે તો દિલ્હી દરબારમાં એનો ૨૭ વર્ષનો વનવાસ ખતમ થઈ જશે. ૭૦ સભ્યોની વિધાનસભામાં બહુમતી માટેનો આંકડો ૩૬ છે. ૨૦૨૦માં આમ આદમી પાર્ટીને ૭૦ માંથી ૬૨ સીટ આવી હતી અને BJPને માત્ર ૮ સીટ જ મળી હતી. ૨૦૧૫માં આમ આદમી પાર્ટીએ ૫૪.૬ ટકા વોટ શૅર સાથે ૬૭ સીટો જીતી હતી. મે મહિનામાં થયેલી લોકસભા ચૂંટણીમાં BJPને તમામ ૭૦ વિધાનસભા ક્ષેત્રોમાં ૫૪ ટકા મત મળ્યા હતા. કૉન્ગ્રેસે આપ કરતાં સારું પ્રદર્શન કર્યું હતું અને ૨૪ ટકા મત મેળવ્યા હતા, જ્યારે આપને માત્ર ૧૯ ટકા મત મળ્યા હતા. ૫ ફેબ્રુઆરીએ થયેલી દિલ્હી વિધાનસભા ચૂટણીમાં ૬૦.૪૨ ટકા મતદાન થયું હતું.

