Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > News In Short: સંપત્તિ માટેની અતૃપ્ત લાલચને કારણે ભ્રષ્ટાચાર ફેલાયોઃ સુપ્રીમ કોર્ટ

News In Short: સંપત્તિ માટેની અતૃપ્ત લાલચને કારણે ભ્રષ્ટાચાર ફેલાયોઃ સુપ્રીમ કોર્ટ

Published : 04 March, 2023 11:57 AM | Modified : 04 March, 2023 12:54 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જસ્ટિસ એસ. રવીન્દ્ર ભટ અને દિપાંકર દત્તાની બેન્ચે છત્તીસગઢ હાઈ કોર્ટના એ આદેશને રદ કરતાં આ કમેન્ટ કરી હતી

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


નવી દિલ્હી (પી.ટી.આઇ.): સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે સંપત્તિ માટેની અતૃપ્ત લાલચને કારણે કૅન્સરની જેમ ભ્રષ્ટાચાર ફેલાયો છે અને બંધારણીય અદાલતોની દેશના લોકો પ્રત્યે ફરજ છે કે તેઓ ભ્રષ્ટાચારના પ્રત્યે સહેજ પણ સહાનુભૂતિ ન રાખે અને અપરાધ કરનારાઓની વિરુદ્ધ સખત પગલાં લે.


અદાલતે જણાવ્યું હતું કે સંપત્તિના સમાન ડિસ્ટ્રિબ્યુશનના ધ્યેયને હાંસલ કરવાના પ્રયાસ દ્વારા ભારતના લોકો માટે સામાજિક ન્યાયની ખાતરી કરવા માટે બંધારણની ‘પ્રસ્તાવનામાં આપવામાં આવેલાં વચનો’ને પૂરાં કરવામાં ભ્રષ્ટાચાર એક મુખ્ય અવરોધ છે.



જસ્ટિસ એસ. રવીન્દ્ર ભટ અને દિપાંકર દત્તાની બેન્ચે છત્તીસગઢ હાઈ કોર્ટના એ આદેશને રદ કરતાં આ કમેન્ટ કરી હતી, જેમાં આ રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય સચિવ અમન સિંહ અને તેમની પત્નીની વિરુદ્ધ અપ્રમાણસર સંપત્તિનો આરોપ મૂકતી એફઆઇઆરને રદ કરવામાં આવી હતી.


વિજય માલ્યાને સુપ્રીમ કોર્ટ તરફથી મળ્યો આંચકો

નવી દિલ્હી (પી.ટી.આઇ.): સુપ્રીમ કોર્ટ તરફથી ભાગેડુ બિઝનેસમૅન વિજય માલ્યાને આંચકો મળ્યો છે. અદાલતે માલ્યાની એ અરજીને ફગાવી દીધી હતી, જેમાં મુંબઈની એક અદાલતમાં માલ્યાને ભાગેડુ આર્થિક અપરાધી જાહેર કરવા તેમ જ તેની સંપત્તિઓને જપ્ત કરવાની કાર્યવાહીને પડકારવામાં આવી હતી.


માલ્યાના વકીલે જણાવ્યું હતું કે તેને આ મામલે અરજી કરનાર તરફથી કોઈ સૂચના મળી નથી. જેના વિશે જસ્ટિસ અભય એસ ઓકા અને રાજેશ બિંદલે જણાવ્યું હતું કે ‘અરજી કરનારના વકીલ જણાવે છે કે અરજી કરનાર આ ઍડ્વોકેટને કોઈ સૂચના આપતા નથી. આ સ્ટેટમેન્ટને ધ્યાનમાં રાખીને આ અરજીને ફગાવી દેવામાં આવે છે.’

નોંધપાત્ર છે કે ૨૦૧૯ની પાંચમી જાન્યુઆરીએ મુંબઈની સ્પેશ્યલ અદાલતે કાયદા હેઠળ માલ્યાને ‘ભાગેડુ’ જાહેર કર્યો હતો. કાયદાની જોગવાઈઓ હેઠળ એક વખત કોઈ વ્યક્તિને ભાગેડુ આર્થિક અપરાધી જાહેર કરવામાં આવે એ પછી તેની સંપત્તિને જપ્ત કરવાનો તપાસ એજન્સીને અધિકાર મળી જાય છે.

માલ્યા ૯૦૦૦ કરોડ રૂપિયાની રકમ ડિફૉલ્ટ કરવા બદલ ભારતમાં વૉન્ટેડ છે. અનેક બૅન્કોએ આ રકમ​ કિંગફિશર ઍરલાઇન્સને લોન સ્વરૂપે આપી હતી. માલ્યા માર્ચ ૨૦૧૬માં ભાગીને યુકે જતો રહ્યો હતો.

ઉનાળાની શરૂઆતમાં જ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળાની શરૂઆત થઈ છે ત્યાં ગુજરાતમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં હળવો વરસાદ પડવાની આગાહી હવામાન ખાતાએ કરી છે. ગુજરાતમાં ૫, ૬ અને ૭ માર્ચના રોજ વાતાવરણમાં પલટો આવી શકે છે. આ ત્રણ દિવસ દરમ્યાન દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી અને સુરત પંથકમાં; સૌરાષ્ટ્રમાં ભાવનગર, પોરબંદર પંથકમાં તેમ જ ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા અને બનાસકાંઠા પંથકમાં હળવો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

વડોદરામાં ગાયે હુમલો કરતાં વૃદ્ધાનું મૃત્યુ

માણેજા ગામ વિસ્તારની ઘટનાથી સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો

અમદાવાદ : ગુજરાતમાં રખડતાં પશુઓની રંજાડ વધતી જઈ રહી છે અને એને કારણે નાગરિકો હેરાન થઈ રહ્યા છે ત્યારે ગઈ કાલે વડોદરામાં ગાયે એક વૃદ્ધાને હડફેટમાં લઈને તેમના પર હુમલો કરતાં વૃદ્ધાનું મૃત્યુ થયું હતું.

વડોદરામાં આવેલા માણેજા ગામ વિસ્તારમાં પંચરત્ન સોસાયટી પાસે ગઈ કાલે બપોરે ગંગાબહેન પરમાર નામના વૃદ્ધા ઘર તરફ જઈ રહ્યાં હતાં ત્યારે કેટલીક ગાયો ત્યાં દોડી આવી હતી અને એ પૈકીની એક ગાયે અચાનક વૃદ્ધા પર હુમલો કર્યો હતો. અચાનક ગાયે આવીને હુમલો કરતાં વૃદ્ધા નીચે ફસડાઈ પડ્યાં હતાં. નીચે પડી ગયેલાં વૃદ્ધા પર ગાયે તેના પગ અને માથા વડે હુમલો કર્યો હતો. આ ઘટના બાદ લોકોમાં રોષ છે.

ભારતમાં લોકશાહી ખતરામાં, પૉલિટિશ્યન્સની જાસૂસી થાય છે

કૅમ્બ્રિજ યુનિવર્સિટીમાં લેક્ચરમાં રાહુલ ગાંધીએ આવો આરોપ મૂક્યો

નવી દિલ્હી (પી.ટી.આઇ.): કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મંગળવારે કૅમ્બ્રિજ યુનિવર્સિટીમાં આપેલા લેક્ચરમાં કેન્દ્ર સરકારની આકરી ટીકા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ‘ભારતમાં લોકશાહી ખતરામાં છે. તેમના સહિત અનેક પૉલિટિશ્યન્સની જાસૂસી થઈ રહી છે.’

‘લર્નિંગ ટુ લિસન ઇન ધ ટ્વેન્ટીએસ્ટ સેન્ચ્યુરી’ પર પોતાના લૅક્ચર દરમ્યાન રાહુલે પેગસસ જાસૂસીનો મુદ્દો ઉઠાવતાં આરોપ મૂક્યો હતો કે તેમના સહિત અનેક પૉલિટિશ્યન્સના મોબાઇલની ઇઝરાયલી સ્પાયવેરથી જાસૂસી થઈ રહી છે.

તેમણે કહ્યું હતું કે ‘ભારતમાં લોકશાહી પ્રેશર હેઠળ છે અને એના પર પ્રહાર થઈ રહ્યો છે. સંસદ, ફ્રી-પ્રેસ અને જુડિશરી સહિત લોકશાહી માટે જરૂરી તમામ સંસ્થાનોને વિવશ બનાવવામાં આવી રહી છે. લોકશાહીના મૂળભૂત માળખા પર હુમલો થઈ રહ્યો છે.’

તેમણે વધુ જણાવ્યું હતું કે ‘મને ઇન્ટેલિજન્સ ઑફિસર્સના કૉલ્સ આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે તમે ફોનમાં બોલતી વખતે કાળજી રાખજો, કેમ કે અમે તમારી વાતચીતને રેકૉર્ડ કરી રહ્યા છીએ. મીડિયા અને લોકતાં​ત્રિક માળખા પર આ પ્રકારના હુમલા થતા હોય ત્યારે વિપક્ષ તરીકે લોકોની સાથે કમ્યુનિકેશન કરવું મુશ્કેલ છે.’

તપાસ માટે ફોન કેમ જમા કરાવ્યા નથી?

બીજેપીના નેતા અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે ‘પેગસસ બીજે ક્યાંય નહીં, પણ રાહુલ ગાંધીના દિલ અને દિમાગમાં છે. પેગસસ મામલે એવી તે શું મજબૂરી હતી કે તપાસ માટે પોતાનો મોબાઇલ જમા કરાવ્યો નહોતો? તેઓ ભ્રષ્ટાચારના કેસમાં જામીન પર છે.’

ખેડૂતોનું રસ્તા રોકો આંદોલન

બેલ્જિયમની રાજધાની બ્રસેલ્સમાં ગઈ કાલે વિરોધ-પ્રદર્શન કરી રહેલા ખેડૂતોએ તેમનાં ટ્રૅક્ટર્સથી ઇનર રિંગ રોડ પર ટ્રાફિકને બ્લૉક કરી દીધો હતો. સરકારની ખેતીને અસર કરતી નીતિઓની વિરુદ્ધ રોષે ભરાયેલા ખેડૂતો રસ્તા પર ઊતરી આવ્યા છે.

લેટ્સ પ્લે હોલી...

પશ્ચિમ બંગાળના નાદિયામાં ગઈ કાલે હોળીના ઉત્સવ પહેલાં જ ઍડ્વાન્સમાં આ ફેસ્ટિવલનું સેલિબ્રેશન કરી રહેલી મહિલાઓ. તસવીર: પી.ટી.આઇ.

Whatsapp-channel Whatsapp-channel

04 March, 2023 12:54 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK