રાજ્યમાં કૉન્ગ્રેસના અધ્યક્ષે ૧૦૦ બેઠકમાં રામમંદિરના નિર્માણનું વચન આપ્યું : એવી પણ જાહેરાત કરી કે આ દરેક રામમંદિરનું ૧૦ કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ કરવામાં આવશે
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : મિડ-ડે ગુજરાતી)
હૈદરાબાદ : કૉન્ગ્રેસ હંમેશાં બીજેપી પર હિન્દુત્વનું કાર્ડ રમવાનો આરોપ મૂકી રહી છે. જોકે તેલંગણમાં કૉન્ગ્રેસ પણ બીજેપીને અનુસરી રહી હોય એમ જણાય છે. તેલંગણ કૉન્ગ્રેસના અધ્યક્ષ એ. રેવંત રેડ્ડીએ મંગળવારે જણાવ્યું હતું કે જો મારી પાર્ટી સત્તા પર આવશે તો રાજ્યની ૧૦૦ વિધાનસભા બેઠકોમાંથી દરેકમાં રામમંદિર નિર્માણ કરવા માટે હું વિચારીશ. એટલું જ નહીં, તેમણે એવી પણ જાહેરાત કરી હતી કે આ દરેક રામમંદિરનું ૧૦ કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ કરવામાં આવશે.
જ્યાં વિખ્યાત સીતા-રામમંદિર આવેલું છે એવા ભદ્રાચલમમાં ‘હાથ સે હાથ જોડો યાત્રા’ દરમ્યાન રેવંતે કહ્યું હતું કે ‘ભદ્રાચલમમાં રામમંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. અમારી પાર્ટીના નેતાઓએ મને જણાવ્યું હતું કે સમગ્ર રાજ્યમાં ૧૦૦ વિધાનસભા બેઠકોમાં દરેકમાં રામમંદિર હોવું જોઈએ. અમે ચોક્કસ આવા મહાન વિચારને ધ્યાનમાં લઈશું, કેમ કે એનાથી યુવાનોને લાભ થશે. અમે આ પહેલ માટે ૧૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવાનો વિચાર કરીશું.’
ADVERTISEMENT
આ રાજ્યમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે રાજ્યમાં પહેલી વખત કૉન્ગ્રેસના કોઈ લીડરે જાહેરમાં મંદિરના એજન્ડા વિશે વાત કરી છે. રેવંતની આ જાહેરાત નોંધપાત્ર છે, કેમ કે રાજ્યમાં બીજેપીના અધ્યક્ષ બાંદી સંજય મસ્જિદ, મંદિર અને હિન્દુઓની લાગણીઓ વિશે આકરાં સ્ટેટમેન્ટ્સ આપીને વિવાદ સર્જવા માટે જાણીતા છે.
રેવંતે રામમંદિરનું નિર્માણ કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર ધર્મના આધારે સમાજના ભાગલા પાડવાનો આરોપ મૂક્યો હતો. તેમણે કહ્યું કે ‘તેઓ સમાજના ભાગલા પાડે છે અને અમારાં નેતા સોનિયા ગાંધી સમાજને જોડે છે.’
નોંધપાત્ર છે કે ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં રામમંદિરનું નિર્માણ મહત્ત્વનો મુદ્દો હશે એમ મનાય છે, પરંતુ હવે તેલંગણની વિધાનસભાની ચૂંટણીમાં પણ રામમંદિર મહત્ત્વનો મુદ્દો હશે એમ જણાય છે.


