ભાજપ ત્રિપુરા વિધાનસભા ચૂંટણીઓ IPFT સાથે ગઠબંધન કરીને લડી રહી છે. તો સીપીઆઈ(એમ) કૉંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડી રહી છે. આ ઉપરાંત પૂર્વ રાજવી પરિવારના વંશજ પ્રદ્યોત બિક્રમની પાર્ટી ટીપ્રા મોથા પણ ચૂંટણી લડી રહી છે
પ્રતીકાત્મક તસવીર
ત્રિપુરામાં ચૂંટણી (Tripura Assembly Election)ને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. રાજ્યમાં આજે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ અંગે મુખ્ય ચૂંટણી અધિકારી ગિટ્ટે કિરણકુમાર દિનકારોએ જણાવ્યું હતું કે ગુરુવારે 60 સભ્યોની ત્રિપુરા વિધાનસભાની મુક્ત, નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ ચૂંટણી કરાવવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. દિનકારોએ જણાવ્યું કે કડક સુરક્ષા વચ્ચે 3,337 મતદાન મથકો પર સવારે 7થી સાંજે 4 વાગ્યા સુધી મતદાન થશે. આ મતદાન મથકોમાંથી 1,100 સંવેદનશીલ અને 28 અતિસંવેદનશીલ તરીકે ઓળખવામાં આવ્યા છે.
ભાજપ આ ચૂંટણીઓ IPFT સાથે ગઠબંધન કરીને લડી રહી છે. તો સીપીઆઈ(એમ) કૉંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડી રહી છે. આ ઉપરાંત પૂર્વ રાજવી પરિવારના વંશજ પ્રદ્યોત બિક્રમની પાર્ટી ટીપ્રા મોથા પણ ચૂંટણી લડી રહી છે. આ સાથે મમતા બેનર્જીની પાર્ટી ટીએમસી પણ આ ચૂંટણીમાં કેટલીક સીટો પર ચૂંટણી લડી રહી છે. રાજ્યની 60 વિધાનસભા સીટો માટે કુલ 259 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. આ મતોની ગણતરી 2 માર્ચે થશે.
ADVERTISEMENT
આ ચૂંટણીઓમાં ભાજપે IPFT સાથે મળીને ચૂંટણી લડી છે. ભાજપ 55 સીટો પર ચૂંટણી લડી રહી છે જ્યારે તેની સહયોગી પાર્ટી આઈપીએફટી 5 સીટો પર ચૂંટણી લડી રહી છે. આ સિવાય કૉંગ્રેસ-ડાબેરીઓમાં બેઠકો અંગેની સમજૂતી હેઠળ ડાબેરી મોરચો 43 બેઠકો પર અને કૉંગ્રેસ 13 બેઠકો પર પોતાના ઉમેદવારો ઊભા કર્યા છે. આ સિવાય એક બેઠક પર કૉંગ્રેસ અને ડાબેરીઓએ અપક્ષ ઉમેદવારને સમર્થન આપ્યું છે. આ સિવાય પ્રદ્યોત બિક્રમની નવી પાર્ટી ટીપ્રા મોથાએ રાજ્યની 60માંથી 42 બેઠકો પર ઉમેદવારો ઊભા રાખ્યા છે. મમતા બેનર્જીની પાર્ટી ટીએમસી રાજ્યમાં માત્ર 28 સીટો પર ચૂંટણી લડી રહી છે. આ ઉપરાંત 58 ઉમેદવારો અપક્ષ છે અને અન્ય પક્ષોના કેટલાક ઉમેદવારો પણ મેદાનમાં છે.
ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા
ચૂંટણી પંચે મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ મતદાન કરવા માટે 31,000 મતદાન કર્મચારીઓ અને કેન્દ્રીય દળોના 25,000 સુરક્ષા કર્મચારીઓને તહેનાત કર્યા છે. આ ઉપરાંત કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે રાજ્ય સશસ્ત્ર પોલીસ અને રાજ્ય પોલીસના 31,000 જવાનોને તહેનાત કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: બીબીસીની ડૉક્યુમેન્ટરી સંપૂર્ણપણે અતિશયોક્તિથી ભરપૂરઃ બ્રિટિશ એમપી
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે સાવચેતીના પગલા તરીકે, રાજ્યભરમાં પહેલાથી જ પ્રતિબંધિત આદેશો લાદવામાં આવ્યા છે અને 17 ફેબ્રુઆરીના રોજ સવારે 6 વાગ્યા સુધી અમલમાં રહેશે. બદમાશોને રાજ્યમાં પ્રવેશતા અટકાવવા માટે આંતરરાષ્ટ્રીય અને આંતરરાજ્ય સરહદો પણ સીલ કરી દેવામાં આવી છે. આ ચૂંટણીઓમાં 13.53 લાખ મહિલાઓ સહિત કુલ 28.13 લાખ મતદારો 259 ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે, જેમાં 20 મહિલાઓ છે.


