રવિવારે યોજાયેલી મીટિંગમાં છત્તીસગઢ પ્રદેશ કૉન્ગ્રેસ કમિટીના ૩૧૦ પ્રતિનિધિઓએ રાહુલ ગાંધીને પક્ષના રાષ્ટ્રીય પ્રમુખપદે બેસાડવા ઠરાવ પસાર કર્યો હતો

કેરલાના આલાપુઝામાં યોજાયેલી પ્રતીકાત્મક નૌકાસ્પર્ધામાં લીધો ભાગ
કૉન્ગ્રેસઅધ્યક્ષ તરીકે રાહુલ ગાંધીની વાપસી માટેની માગણી વધી રહી હોવાથી વધુ ને વધુ રાજ્ય એકમો પાર્ટીના ભૂતપૂર્વ પ્રમુખની તરફેણમાં ઠરાવ પસાર કરી રહ્યા છે, જેમાં રાહુલ ગાંધીને પાર્ટીના વડા તરીકે પાછા ફરવાનું સમર્થન કરનારાઓમાં રાજસ્થાન પ્રદેશ કૉન્ગ્રેસ સમિતિ પ્રથમ રાજ્ય એકમ હતું.
લગભગ સાત જેટલા રાજ્ય એકમોએ રાહુલ ગાંધીને કૉન્ગ્રેસ એકમના પ્રમુખપદે લાવવાની માગણી કરતો ઠરાવ પસાર કર્યો છે. ૨૦૧૭માં પણ રાહુલ ગાંધીની કૉન્ગ્રેસ પ્રમુખપદે નિમણૂક કરાઈ હતી ત્યારે પણ રાજ્ય એકમોએ આ જ પ્રકારના ઠરાવ પસાર કર્યા હતા.
રવિવારે યોજાયેલી મીટિંગમાં છત્તીસગઢ પ્રદેશ કૉન્ગ્રેસ કમિટી (પીસીસી)ના ૩૧૦ પ્રતિનિધિઓએ રાહુલ ગાંધીને પક્ષના રાષ્ટ્રીય પ્રમુખપદે બેસાડવા ઠરાવ પસાર કર્યો હતો.
ગુજરાતમાં પણ પક્ષના રાજ્ય એકમે આ જ પ્રકારની માગણી કરી હતી. તેમણે ભારતનું ભવિષ્ય અને યુવાઓના અવાજ સમા રાહુલ ગાંધીને ઇન્ડિયન નૅશનલ કૉન્ગ્રેસના પ્રમુખ બનાવવાની માગણી કરી હતી, જેને તમામ પ્રતિનિધિઓએ તાળીઓથી વધાવી હતી. અન્ય રાજ્ય એકમોમાં તામિલનાડુ અને બિહાર, મહારાષ્ટ્ર અને જમ્મુ-કાશ્મીર તેમ જ હિમાચલ પ્રદેશ કૉન્ગ્રેસ એકમનો સમાવેશ થાય છે. હાલ રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા અંતર્ગત કેરલાના પ્રવાસે છે.