પાર્ટીના કાર્યકરોએ વ્યાપક વિરોધ-પ્રદર્શન કર્યાં હતાં. પોલીસ બૅરિકેડ્સ તોડીને આગળ વધવા બદલ કૉન્ગ્રેસના અનેક કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે.

હૈદરાબાદમાં ગઈ કાલે રાહુલ ગાંધીનું સંસદસભ્યપદ રદ કરવાના નિર્ણયની વિરુદ્ધ વિરોધ-પ્રદર્શન કરી રહેલી મહિલા કૉન્ગ્રેસના નેતાઓ અને કાર્યકરો.
કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીને લોકસભાના સંસદસભ્ય તરીકે ડિસક્વૉલિફાય કરવામાં આવ્યા એના એક દિવસ પછી ગઈ કાલે સમગ્ર દેશમાં કૉન્ગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ વિરોધ કર્યો હતો.
રાહુલ ગાંધી જ્યાંના લોકસભાના સંસદસભ્ય હતા એ કેરલાના વાયનાડમાં કૉન્ગ્રેસના કાર્યકરોએ ‘બ્લૅક ડે’ મનાવ્યો હતો. પાર્ટીના કાર્યકરોએ વ્યાપક વિરોધ-પ્રદર્શન કર્યાં હતાં. પોલીસ બૅરિકેડ્સ તોડીને આગળ વધવા બદલ કૉન્ગ્રેસના અનેક કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે.
દિલ્હીમાં કૉન્ગ્રેસના અનેક કાર્યકરોએ રાહુલ ગાંધીના માસ્ક પહેરીને કૉન્ગ્રેસના મુખ્યાલય ખાતે વિરોધ વ્યક્ત કર્યો હતો. તેમના હાથમાં પ્લૅકાર્ડ જોવા મળ્યાં હતાં, જેમાં લખવામાં આવ્યું હતું, ‘ડરો મત.’
બૅન્ગલોરમાં તો કૉન્ગ્રેસના કાર્યકરોએ મેટ્રો સ્ટેશન સુધી કૂચ કરવાની જાહેરાત કરી હતી, જેનું ઉદ્ઘાટન ગઈ કાલે વડા પ્રધાને કર્યું હતું. બૅન્ગલોરમાં સિટી સિવિલ કોર્ટ પાસે વિશ્વેશ્વર્યા મેટ્રો સ્ટેશન તરફ કૂચ કરી રહેલા પ્રદર્શનકર્તાઓને રોકવામાં આવ્યા હતા.
પંજાબમાં ચંડીગઢ યુથ કૉન્ગ્રેસે ચંડીગઢ રેલવે સ્ટેશન ખાતે નવી દિલ્હી ચંડીગઢ શતાબ્દી ટ્રેનને રોકવાની કોશિશ કરી હતી. એ સિવાય અનેક રાજ્યોમાં વિરોધ પ્રદર્શનો થયાં હતાં.