કેન્દ્રીય તપાસ એજન્સીઓના કથિત મિસયુઝની વિરુદ્ધ ૧૪ વિપક્ષો દ્વારા સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવેલી અરજીમાં આવો દાવો કરવામાં આવ્યો છે

નવી દિલ્હીમાં ગઈ કાલે વિજય ચોક ખાતે વિરોધ કૂચ દરમ્યાન ‘ડેમોક્રસી ઇન ડેન્જર’ લખાણવાળા બૅનર સાથે કૉન્ગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને અન્ય સંસદસભ્યો. પી.ટી.આઇ.
કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્રીય તપાસ એજન્સીઓના મિસયુઝને લઈને ૧૪ વિપક્ષોએ સુપ્રીમ કોર્ટનાં દ્વાર ખટખટાવ્યાં છે. અદાલત પાંચમી એપ્રિલે આ કેસમાં સુનાવણી હાથ ધરશે. વિપક્ષોએ જણાવ્યું છે કે સીબીઆઇ અને ઈડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ) જેવી એજન્સીઓ માત્ર બીજેપીની વિરોધી પાર્ટીઓને જ ટાર્ગેટ કરે છે.
આ પાર્ટીઓએ એમ પણ જણાવ્યું હતું કે નેતાઓ બીજેપીમાં જોડાતાં જ તેમની વિરુદ્ધના કેસો પડતા મૂકવામાં આવે છે કે અને તેમના પર કોઈ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી. બીજેપીએ આ આરોપને ફગાવતાં કહ્યું હતું કે એજન્સીઓ તટસ્થ રીતે કામ કરે છે.
ADVERTISEMENT
ચીફ જસ્ટિસ ડી. વાય. ચન્દ્રચૂડના નેતૃત્વવાળી બેન્ચે સિનિયર ઍડ્વોકેટ અભિષેક મનુ સિંઘવીની રજૂઆતને ધ્યાનમાં લીધી હતી. આ પાર્ટીઓએ કેન્દ્રીય તપાસ એજન્સીઓ માટે ધરપકડ પહેલાં અને પછીની કાર્યવાહી માટેની ગાઇડલાઇન તૈયાર કરવાની પણ માગણી કરી છે.
સિંઘવીએ કહ્યું હતું કે ૯૫ ટકા કેસ વિપક્ષોના નેતાઓની વિરુદ્ધ છે. અમે ધરપકડ પહેલાં અને પછીની કાર્યવાહી માટે ગાઇડલાઇનની માગણી કરી રહ્યા છીએ.’
સુપ્રીમ કોર્ટમાં આ કેસ ફાઇલ કરનારી પાર્ટીઓમાં કૉન્ગ્રેસ, તૃણમૂલ કૉન્ગ્રેસ, આમ આદમી પાર્ટી, જનતા દળ-યુનાઇટેડ, ભારત રાષ્ટ્ર સમિતિ, રાષ્ટ્રીય જનતા દળ, સમાજવાદી પાર્ટી, શિવ સેના (ઉદ્ધવ ઠાકરે જૂથ), નૅશનલ કૉન્ફરન્સ, નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી, ડાબેરીઓ અને ડીએમકે સામેલ છે.
આમ આદમી પાર્ટીના સોર્સિસે જણાવ્યું હતું કે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે આ પાર્ટીઓને એક કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. નોંધપાત્ર છે કે આ પાર્ટીઓની વચ્ચે પણ અનેક મુદ્દે મતભેદો રહેલા છે. કેજરીવાલના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાની ગયા મહિને સીબીઆઇ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને બાદમાં ઈડી દ્વારા તેમની કસ્ટડી લેવામાં આવી હતી.
સિનિયર ઍડ્વોકેટ એએમ સિંઘવીએ કહ્યું હતું કે આ વિપક્ષોએ કુલ મતના ૪૨ ટકા મત મેળવ્યા છે. તેઓ ફીલ કરે છે કે સીબીઆઇ અને ઈડીના મિસ યુઝને કારણે લોકશાહી જોખમમાં મુકાઈ છે.
તેમણે એમ પણ જણાવ્યું હતું કે અરજી કરનારાઓએ રાજકીય વિરોધીઓની ધરપકડ કરવા માટે એજન્સીઓના મિસ યુઝ બાબતે ૨૦૧૪ પહેલાંના અને ૨૦૧૪ બાદના આંકડા આપ્યા છે.

