છેલ્લા પાંચ મહિનામાં ૧૩૮૪ રૂપિયાનો વધારો ઝીંકાતાં ૧૯ કિલોના સિલિન્ડરના ભાવ ડબલ થઈ ગયા
ફાઇલ તસવીર
અમેરિકા-ઈરાન વચ્ચેના યુદ્ધને લીધે ઊભા થયેલા અવરોધોને કારણે કમર્શિયલ લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગૅસ (LPG)ના ૧૯ કિલોના સિલિન્ડરના ભાવમાં ફરી એક વાર વધારો થયો છે. ઘણા સમયથી LPGના ભાવ વધશે એવી વાતો થઈ રહી હતી, પરંતુ કહેવાઈ રહ્યું છે કે પશ્ચિમ બંગાળની ચૂંટણીઓ પૂરી થવાની રાહ જોવાઈ રહી હતી. હવે સરકારે કમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં એકસામટો ૯૯૩ રૂપિયાનો વધારો ઝીંક્યો છે જે પહેલી મેથી લાગુ પડી ગયો છે. આ ભાવવધારા પછી હવે દિલ્હીમાં કમર્શિયલ LPG સિલિન્ડરનો ભાવ ૩૦૭૧.૫૦ રૂપિયા અને મુંબઈમાં ૩૦૨૪ રૂપિયા થશે. સતત ચોથા મહિને કમર્શિયલ LPGના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આ પહેલાં ફેબ્રુઆરીમાં ૫૦ રૂપિયા, માર્ચ મહિનામાં ૧૧૪.૫૦ રૂપિયા અને એપ્રિલ મહિનામાં ૧૯૫.૫૦ રૂપિયાનો વધારો થયો હતો. આ વખતે ૯૯૩ રૂપિયાનો સીધો વધારો થયો છે. એને કારણે છેલ્લા પાંચ મહિનામાં ૧૩૮૪ રૂપિયા વધારો થયો છે.
ડિસેમ્બર ૨૦૨૫માં કમર્શિયલ LPGનો ભાવ ૧૫૦૦ રૂપિયાની આસપાસ હતો જે પાંચ મહિનામાં લગભગ બમણો થઈ ગયો છે.
ADVERTISEMENT
પાંચ કિલોના છોટુ ફ્રી ટ્રેડ LPG સિલિન્ડરના ભાવમાં પણ ગઈ કાલથી ૨૬૧ રૂપિયાનો વધારો થયો છે અને હવે એ ૮૧૩.૫૦ રૂપિયામાં મળશે.
શું ફરક પડશે?
કમર્શિયલ LPGનો ભાવ વધવાથી અનેક જરૂરી ચીજો મોંઘી થઈ શકે છે. હોટેલ, રેસ્ટોરાં, કેટરિંગ સર્વિસ અને ફૂડ-બિઝનેસમાં સીધી અસર પડશે. એને કારણે હોટેલ-રેસ્ટોરાં અને રેંકડીઓ પર મળતી ખાવા-પીવાની ચીજોના ભાવ વધશે. જોકે કુલ કમર્શિયલ LPGની માત્ર એક ટકા ખપત જ આ ક્ષેત્રમાં થાય છે.
LPGનો ઉપયોગ વેલ્ડિંગ, કટિંગ, મેલ્ટિંગ માટે મેટલ ઇન્ડસ્ટ્રીમાં; ડાઇંગ, પ્રિન્ટિંગ, ફિનિશિંગ માટે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં; ગ્લાસ સિરૅમિક અને ચિનાઈ માટીના ઉદ્યોગમાં થાય છે. આ બધાને ભાવવધારાની અસર પડશે. આ ઉપરાંત કેમિકલ અને ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં તેમ જ ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીમાં કન્ટ્રોલ્ડ તાપમાન માટે LPGની જરૂર પડે છે.
