લદાખના લેફ્ટનન્ટ ગવર્નર બી. ડી. મિશ્રાએ ગઈ કાલે ભારપૂર્વક કહ્યું હતું કે ભારતની જમીનનો એક ઇંચ ટુકડો પણ ચીન નથી લઈ શક્યું.

પ્રતીકાત્મક તસવીર
જમ્મુ (પી.ટી.આઇ.) ઃ લદાખના લેફ્ટનન્ટ ગવર્નર બી. ડી. મિશ્રાએ ગઈ કાલે ભારપૂર્વક કહ્યું હતું કે ભારતની જમીનનો એક ઇંચ ટુકડો પણ ચીન નથી લઈ શક્યું. ચીન અને એની સેના માત્ર આ પ્રકારની અફવાઓ ફેલાવી એમનું નાક કપાવી રહ્યા છે. કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા ચીને જમીનનો એક ભાગ પચાવી પાડવાના મુદ્દે પૂછતાં તેમણે જણાવ્યું હતું કે ‘હું કોઈના નિવેદન પર પ્રતિક્રિયા આપીશ નહીં, પણ તથ્યો શું છે હું એ જ જણાવીશ, કારણ કે હું એ મેદાન પર ઊભો છું, જેની એક સ્ક્વેર ઇંચ જમીન પણ ચીન મેળવી શક્યું નથી. ૧૯૬૨માં જે પણ થયું એ માત્ર દુર્ભાગ્યપૂર્ણ હતું, પણ આજે આપણે આપણી જમીનની છેલ્લી ઇંચ સુધી મેળવી ચૂક્યા છીએ.’
નિવૃત્ત બ્રિગેડિયર બી. ડી. મિશ્રા આર્મી દ્વારા આયોજિત ત્રણ દિવસીય નૉર્થ ટેક સિમ્પોઝિયમમાં હાજરી આપવા માટે અહીં આવ્યા હતા. ઇવેન્ટ બાદ રિપોર્ટરના સવાલોના જવાબો આપતાં તેમણે જણાવ્યું હતું કે ‘આપણી સેના આવનાર તમામ પરિસ્થિતિને પહોંચી વળવા તૈયાર છે. ભગવાન ન કરે જો કોઈ ઘૂસવાની કોશિશ કરશે તો પોતાનું નાક કપાયેલું જોશે. હું આનો પૂરો શ્રેય વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વને આપવા માગું છું.’