ચીન ભારત સાથેની બૉર્ડર નજીક ૭૦૦ ગામ બનાવી રહ્યું છે, જેમાં તમામ સુવિધા છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)
ભારત સાથેની સરહદની સાવ નજીક ચીન સતત પોતાના વ્યુહાત્મક માળખાની સુવિધાઓને મજબૂત કરી રહ્યું છે. હવે ચિંતાના સમાચાર ઉત્તરાખંડથી આવ્યા છે કે જ્યાં બૉર્ડર એરિયાના પોતાના વિસ્તારમાં ચીન ડિફેન્સ વિલેજ બનાવી રહ્યું છે. સોર્સિસ અનુસાર વાસ્તવિક અંકુશ રેખાથી માત્ર ૧૧ કિલોમીટરના અંતરે ચીને ડિફેન્સ વિલેજ બનાવ્યાં છે. ૨૫૦ ઘરના બૉર્ડર ડિફેન્સ વિલેજમાં તમામ સુવિધા છે.
થોડા દિવસ પહેલાં પણ ઉત્તરાખંડની નજીક વાસ્તવિક અંકુશ રેખાથી ૩૫ કિલોમીટરના અંતરે ચીન દ્વારા ૫૫-૫૬ ઘર બનાવવામાં આવ્યાં હોવાની જાણકારી આવી હતી. વાસ્તવમાં ચીન ભારત સાથેની બૉર્ડર નજીક ૭૦૦ ગામ બનાવી રહ્યું છે, જેમાં એકલા પૂર્વ સેક્ટરમાં જ ચીનની ૪૦૦ ગામ બનાવવાની યોજના છે. આ ગામ ચીનની આર્મી એટલે પીપલ્સ લિબરેશન આર્મીના ડાયરેક્ટ સુપરવિઝન હેઠળ છે. આ ગામોમાં વિશાળ કૉમ્પ્લેક્સ તથા જરૂરિયાતની તમામ સુવિધા છે. ઇન્ડિયન આર્મીએ પહેલાં જ સ્પષ્ટ કર્યું છે કે એ ચીનની નજીક વાસ્તવિક અંકુશ રેખા પર સતત નજર રાખી રહી છે. જોકે, એકંદરે ચીન ચિંતા વધારી રહ્યું છે.
કેન્દ્રનો મેગા પ્લાન
ચીન સતત ભારત સાથેની બૉર્ડર પર આ પ્રકારનાં વિલેજ તૈયાર કરી રહ્યું છે એટલે ભારત સરકારે પણ બૉર્ડરની નજીકનાં ગામોને વાઇબ્રન્ટ વિલેજીસમાં કન્વર્ટ કરવા માટે મેગા પ્લાન તૈયાર કર્યો છે. સોર્સિસ અનુસાર ભારત અને ચીનની બૉર્ડર નજીક ૫૦૦થી ૬૦૦ એવાં ગામ છે કે જ્યાં કોઈ રહેતું નથી. આ ગામોમાં વર્ષે એક વખત પોતાના કૂળ દેવતાની પૂજા કરવા માટે લોકો આવે છે. જોકે હવે આ ગામો ધબકતાં થશે. કેન્દ્ર સરકાર આ ગામોને વાઇબ્રન્ટ વિલેજીસ બનાવવા માટે અનેક મીટિંગ કરી ચૂકી છે. સાથે જ આ વર્ષના બજેટમાં પણ આ ગામોને વાઇબ્રન્ટ વિલેજમાં કન્વર્ટ કરવા માટે ભંડોળની ફાળવણી કરવામાં આવી છે. ઉત્તરાખંડમાં ઝાડુંગ, નેલાંગ અને મલારી જેવા વિસ્તારોમાં વાઇબ્રન્ટ વિલેજીસના પ્રોજેક્ટ હેઠળ શરૂઆતનો રિપોર્ટ તૈયાર પણ કરવામાં આવ્યો છે. ભારત અને ચીનની બૉર્ડર નજીક હિમાચલ પ્રદેશનાં લગભગ ૮૦ ગામનો વાઇબ્રન્ટ વિલેજ તરીકે ડેવલપ કરવામાં આવશે. એ સાથે જ સિક્કિમ બૉર્ડરનાં ૫૦ તો અરુણાચલ પ્રદેશની બૉર્ડરની નજીકનાં ૮૦થી ૧૨૦ ગામનો સુરક્ષાની દૃષ્ટિએ વિકાસ કરવામાં આવશે.