રાજ્યમાં છેલ્લા ૧૧૫ દિવસમાં ૩૦ મહિલાઓની હત્યા બદલ તેમના પતિઓની ધરપકડ કરવામાં આવી છે. આ સૂચવે છે કે છત્તીસગઢમાં પતિ-પત્નીના અતૂટ બંધનની ક્રૂરતાથી હત્યા કરવામાં આવી રહી છે.
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
ઇન્દોરની સોનમ રઘુવંશીએ તેના પતિની મેઘાલયમાં હનીમૂન વખતે હત્યા કરી એ કેસ દેશભરમાં ચર્ચામાં છે ત્યારે છત્તીસગઢમાંથી ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. આ રાજ્યમાં છેલ્લા ૧૧૫ દિવસમાં ૩૦ મહિલાઓની હત્યા બદલ તેમના પતિઓની ધરપકડ કરવામાં આવી છે. આ સૂચવે છે કે છત્તીસગઢમાં પતિ-પત્નીના અતૂટ બંધનની ક્રૂરતાથી હત્યા કરવામાં આવી રહી છે.
માર્ચથી જૂન વચ્ચેની ઘટનાઓ
ADVERTISEMENT
છત્તીસગઢમાં મહિલાઓની હત્યાના આંકડા વધુ ચોંકાવનારા છે. આ વર્ષે પહેલી માર્ચથી બાવીસમી જૂન સુધીના સમયગાળામાં ૩૦ મહિલાઓની હત્યા થઈ છે અને તેમના પતિઓની મુખ્ય આરોપી તરીકે ધરપકડ કરવામાં આવી છે. આનો અર્થ એ થયો કે રાજ્યમાં છેલ્લા ૧૧૫ દિવસમાં દર ચોથા દિવસે એક પત્નીની હત્યા તેના પતિ દ્વારા કરવામાં આવી છે. માર્ચમાં ૪, એપ્રિલ અને મેમાં ૧૦-૧૦ અને જૂનમાં ૬ પત્નીઓની હત્યા કરવામાં આવી હતી.
ચારિય પર શંકા મુખ્ય કારણ
છત્તીસગઢમાં પત્નીઓની હત્યાના ૩૦ કેસમાંથી ૧૦થી વધુ કેસ ચારિય પર શંકા અથવા ઇર્ષ્યાના કારણે, ૬ કેસ નશાના કારણે અને બે કેસ સેક્સનો ઇનકાર કરવાના કારણે થયા હતા. બાકીના કેસ ઘરેલુ હિંસા, દહેજવિવાદ અથવા વૈવાહિક તણાવના કારણે થયા હતા.
લગ્નના ૩ મહિનામાં હત્યા
ધમતરીના એક દંપતીનાં લગ્ન માત્ર ૩ મહિના પહેલાં થયાં હતાં. ૭ જૂને ૨૬ વર્ષના પતિ ધનેશ્વર પટેલે સોશ્યલ મીડિયા પર પત્ની સાથેનો ફોટો શૅર કર્યો અને લખ્યું કે આઇ લવ યુ. ત્યાર બાદ ૧૦ જૂને તેણે શાકભાજી સમારવાની છરીથી બાવીસ વર્ષની પત્નીનું ગળું કાપીને હત્યા કરી દીધી. પોલીસનો દાવો છે કે લગ્નના ૩ મહિનાની અંદર જ પતિએ તેની પત્નીના ચારિત્ર્ય પર શંકા કરવાનું શરૂ કર્યું હતું.


