તૃણમૂલ કૉન્ગ્રેસનાં આ સંસદસભ્ય સંસદની એથિક્સ કમિટી સમક્ષ ૩૧મી ઑક્ટોબરે આ મામલે હાજર થવાનાં નથી
ફાઇલ તસવીર
તૃણમૂલ કૉન્ગ્રેસનાં સંસદસભ્ય મહુઆ મોઇત્રા સંસદમાં કૅશ અને ગિફ્ટ્સને લઈને સવાલો પૂછવાના આરોપોને લઈને વિવાદોમાં છે, પરંતુ તેમનો આક્રમક મિજાજ યથાવત્ છે. તેમણે ગઈ કાલે લોકસભાની એથિક્સ કમિટીને જણાવ્યું હતું કે તેમની વિરુદ્ધ બિઝનેસમૅન દર્શન હિરાનંદાનીની તાજેતરની ઍફિડેવિટમાં અપૂરતી વિગતો છે. એટલું જ નહીં, હિરાનંદાનીએ દાવો કર્યો છે કે તેમણે સંસદમાં સવાલો પૂછવાના બદલામાં મોઇત્રાને કૅશ અને ગિફ્ટ્સ આપી છે, પરંતુ મોઇત્રાએ જણાવ્યું હતું કે આ ઍફિડેવિટમાં એ ગિફ્ટ્સનું વિસ્તારપૂર્વકનું લિસ્ટ પણ નથી. મોઇત્રાએ એથિક્સ કમિટીને આ બિઝનેસમૅનને સમન્સ બજાવવા તેમ જ તેમની ઊલટ તપાસ કરવા પોતાના અધિકારનો ઉપયોગ કરવા દેવાની પણ અપીલ કરી હતી.
આ બિઝનેસમૅને પોતાના ઍફિડેવિટમાં જણાવ્યું હતું કે તૃણમૂલ કૉન્ગ્રેસનાં આ લીડરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની છબિ ખરાબ કરવા માટે ગૌતમ અદાણીને ટાર્ગેટ કર્યા હતા. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે તેમણે મોઇત્રાને માહિતી આપી હતી કે જેને આધારે તેમણે સંસદમાં અદાણી ગ્રુપ પર શાબ્દિક હુમલા કર્યા હતા.
ADVERTISEMENT
દરમ્યાન મહુઆએ ગઈ કાલે એમ પણ કહ્યું હતું કે ‘તેઓ સંસદની એથિક્સ કમિટી સમક્ષ ૩૧મી ઑક્ટોબરે આ મામલે હાજર થવાનાં નથી. આ કમિટી તેમની વિરુદ્ધના આરોપોની તપાસ કરી રહી છે.’
હાજર ન થવાનું કારણ આપતાં મોઇત્રાએ કહ્યું હતું કે ‘સાંજે ૭.૨૦ વાગ્યે મને ઑફિશ્યલ લેટર ઈ-મેઇલમાં મોકલવામાં આવ્યો એના પહેલાં એથિક્સ કમિટીના ચૅરમૅને ૩૧મી ઑક્ટોબરે હાજર થવા માટે મને સમન્સ આપવામાં આવ્યું હોવાનું લાઇવ ટીવી પર જાહેર કર્યું હતું. તમામ ફરિયાદો અને સુઓ મોટો ઍફિડેવિટ્સ પણ મીડિયાને આપવામાં આવી હતી.’ આખરે મહુઆએ જણાવ્યું હતું કે તેઓ પાંચમી નવેમ્બર પછી એથિક્સ કમિટી સમક્ષ હાજર થશે.

