હવે પાર્ટી ઉત્તર પ્રદેશમાં યોજાનારી પેટાચૂંટણીમાં તમામ ૧૦ સીટ પર પોતાના ઉમેદવાર ઉતારશે.
માયાવતી
બહુજન સમાજ પાર્ટી (BSP)નાં પ્રમુખ માયાવતીએ તેમના ભત્રીજા આકાશ આનંદને ફરી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક પદ પર નિયુક્ત કર્યા હતા. રવિવારે લખનઉમાં પાર્ટીના પદાધિકારીઓની બેઠક દરમ્યાન આ નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો. આ વર્ષે મેમાં માયાવતીએ આકાશ આનંદને રાષ્ટ્રીય સંયોજક પદેથી અને પોતાના ઉત્તરાધિકારી તરીકે હટાવી નાખ્યા હતા. તેમણે સોશ્યલ મીડિયા પર આનું કારણ આપતાં જણાવ્યું હતું કે જ્યાં સુધી આકાશ આનંદ રાજકીય રીતે પરિપક્વ ન બને ત્યાં સુધી તેમને પદ આપવામાં નહીં આવે. આકાશ આનંદ ૨૦૧૯માં BSPના રાષ્ટ્રીય સંયોજક બન્યા હતા અને ગયા વર્ષે ડિસેમ્બરમાં તેમને માયાવતીના ઉત્તરાધિકારી બનાવવામાં આવ્યા હતા. લોકસભા ચૂંટણી દરમ્યાન આકાશ આનંદે ઉત્તર પ્રદેશમાં એક ચૂંટણીરૅલીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ને આતંકવાદી પાર્ટી કહેતાં તેમની સામે કેસ થયો હતો. ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીમાં ૧૦ લોકસભા બેઠક જીતનારી BSP તાજેતરની લોકસભા ચૂંટણીમાં પોતાનું ખાતું ખોલાવવામાં નિષ્ફળ રહી હતી. હવે પાર્ટી ઉત્તર પ્રદેશમાં યોજાનારી પેટાચૂંટણીમાં તમામ ૧૦ સીટ પર પોતાના ઉમેદવાર ઉતારશે.

