ઇન્દોરના જીવલેણ પાણીકાંડના મામલે વીફર્યાં ઉમા ભારતી, અમારું કંઈ ચાલતું નથી એવું કહેનારા અધિકારીઓ પર તાડૂકીને કહ્યું...મુખ્ય પ્રધાન માટે આ કસોટીની ઘડી છે એમ જણાવીને કહ્યું કે આ પાપ માટે ગંભીર પ્રાયશ્ચિત્ત કરવું પડશે, પીડિતોના પરિવારોની માફી માગવી પડશે
ઉમા ભારતી
દેશના સૌથી સ્વચ્છ શહેરનો ખિતાબ ધરાવતા મધ્ય પ્રદેશના ઇન્દોરમાં દૂષિત પાણી પીવાથી લોકોએ જીવ ગુમાવ્યાની ઘટનાથી રાજકારણ ગરમાયું છે. મધ્ય પ્રદેશનાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉમા ભારતીએ ગઈ કાલે સોશ્યલ મીડિયા પર આ ઘટના વિશે આકરા પ્રહાર કર્યા હતા અને જણાવ્યું હતું કે આ પાપ માટે ગંભીર પ્રાયશ્ચિત્ત કરવું પડશે અને પીડિતોના પરિવારોની માફી માગવી પડશે અને સાથે જ ગુનેગારોને મહત્તમ સજા કરવામાં આવે એ જરૂરી છે.
ઉમા ભારતીએ મીડિયાને મળી ન શકવા બદલ માફી માગીને કહ્યું હતું કે ‘મારી જમણી આંખની સર્જરી ત્રણ દિવસ પહેલાં થઈ છે અને ડૉક્ટરોએ મને સૂર્યપ્રકાશ, ધૂળ અને ફોનકૉલ્સથી એકાદ અઠવાડિયા સુધી દૂર રહેવાની તાકીદ કરી છે. હું તમને મળી શકીશ નહીં. હું માફી માગું છું.’
ADVERTISEMENT
ઉમા ભારતીએ શ્રેણીબદ્ધ ટ્વીટ્સમાં સરકાર અને વહીવટી તંત્ર પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે લખ્યું હતું કે...
૨૦૨૫ના અંતમાં ઇન્દોરમાં દૂષિત પાણી પીવાથી થયેલાં મૃત્યુએ આપણા રાજ્ય, આપણી સરકાર અને આપણી સમગ્ર વ્યવસ્થાને શરમજનક અને કલંકિત કરી છે. રાજ્યના સૌથી સ્વચ્છ શહેરનો અવૉર્ડ મેળવનાર શહેરમાં આવી કુરૂપતા, ગંદકી અને ઝેરી પાણીથી કેટલા લોકો જીવ ગુમાવી ચૂક્યા છે અને હજી પણ ગુમાવી રહ્યા છે. મૃત્યુઆંક વધી રહ્યો છે.
એક જીવનનું મૂલ્ય બે લાખ રૂપિયાનું નથી હોતું, કારણ કે તેમના પરિવાર જીવનભર શોકમાં ડૂબેલા રહે છે. આ પાપનું ઘોર પ્રાયશ્ચિત્ત કરવું પડશે, પીડિતોની માફી માગવી પડશે અને ઉપરથી નીચે સુધીના તમામ ગુનેગારોને મહત્તમ સજા આપવી પડશે. મોહન યાદવ માટે આ કસોટીનો સમય છે.
ઇન્દોરના દૂષિત પાણીના મામલામાં કોણ એવું કહે છે કે અમારું કંઈ ચાલતું નથી. જ્યારે તમારું કંઈ ચાલતું નથી તો તમે પદ પર બેસીને બિસલેરીનું પાણી કેમ પીતા રહ્યા? પદ છોડીને જનતાની વચ્ચે કેમ નહીં ગયા. આવાં પાપોનું કોઈ સ્પષ્ટીકરણ નથી હોતું, કાં તો પ્રાયશ્ચિત્ત અથવા દંડ.


