દિલ્હીમાં બ્યુરોક્રેટ્સની ટ્રાન્સફર અને નિમણૂક માટેના અધિકારો દિલ્હી સરકારને સોંપતા સુપ્રીમ કોર્ટના ચુકાદાને ઉથલાવતો વટહુકમ કેન્દ્ર સરકારે બહાર પાડ્યા બાદ દિલ્હી સરકારે એમ જણાવ્યું હતું

પ્રતીકાત્મક તસવીર
કેન્દ્ર સરકાર અને દિલ્હી સરકાર વચ્ચેની લડાઈ વધુ એક વખત સુપ્રીમ કોર્ટમાં પહોંચી છે. કેન્દ્ર સરકારે દિલ્હીમાં બ્યુરોક્રેટ્સની ટ્રાન્સફર અને નિમણૂક માટેના અધિકારો દિલ્હી સરકારને સોંપતા સુપ્રીમ કોર્ટના ચુકાદાની સમીક્ષા માટે આ અદાલતમાં એક અરજી કરી છે. શુક્રવારે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટના આ ચુકાદાને ઉથલાવતો એક વટહુકમ બહાર પાડ્યો હતો. દિલ્હીની એનસીટીની સરકાર (સુધારો) વટહુકમ, ૨૦૨૩ હેઠળ અધિકારીઓની સર્વિસ કન્ડિશન, ટ્રાન્સફર અને પોસ્ટિંગ મામલે નિર્ણયો લેવા માટે નૅશનલ કૅપિટલ સિવિલ સર્વિસ ઑથોરિટીની રચના કરવાની વાત છે.
આ કમિટીના અધ્યક્ષ દિલ્હીના મુખ્ય પ્રધાન જ રહેશે, જેમાં દિલ્હીના મુખ્ય સચિવ અને મુખ્ય ગૃહ સચિવનો પણ નિર્ણય લેવાની પ્રક્રિયામાં સમાન અધિકાર હશે. જો અભિપ્રાયમાં મતભેદ થાય તો એ મામલો ઉપરાજ્યપાલને સોંપવામાં આવશે અને તેમનો નિર્ણય અંતિમ રહેશે.
દરમ્યાન અરવિંદ કેજરીવાલની સરકારે કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરવામાં આવેલા આ વટહુકમને સુપ્રીમ કોર્ટમાં પડકારવાનો નિર્ણય કર્યો છે. દિલ્હી સરકાર તરફથી ઍડ્વોકેટ અભિષેક સિંઘવીએ કહ્યું હતું કે ‘તમે મૅચ હારી જાવ ત્યારે રૂલ્સ બદલો છો. આ વટહુકમને સંસદમાં પસાર કરવામાં નહીં આવે.’
નોંધપાત્ર છે કે તાજેતરમાં જ પાંચ જજોની બેન્ચે દિલ્હી સરકારની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. જેના પછી કેન્દ્ર સરકારે શુક્રવારે વટહુકમ બહાર પાડ્યો હતો. આ વટહુકમથી દિલ્હીમાં પોલીસ, જાહેર વ્યવસ્થા અને જમીન સિવાય સર્વિસિસનો કન્ટ્રોલ ચૂંટાયેલી સરકારને સોંપવાનો સુપ્રીમ કોર્ટનો ૧૧ મેનો આદેશ રદ થઈ જાય છે.
આમ આદમી પાર્ટીએ આરોપ મૂક્યો છે કે આ વટહુકમ બંધારણની વિરુદ્ધ છે અને સર્વિસિસના મામલે સુપ્રીમ કોર્ટ દ્વારા દિલ્હી સરકારને આપવામાં આવેલા અધિકારો છીનવી લેવા માટેનું પગલું છે.
બીજેપીએ આરોપ મૂક્યો હતો કે કેજરીવાલ સરકાર સુપ્રીમ કોર્ટના ચુકાદાના કવર હેઠળ એના અધિકારોનો દુરુપયોગ કરી રહી છે અને અધિકારીઓને ધમકાવી રહી છે.