ગુજરાત સરકારે ૧૫ ઑગસ્ટે તમામ દોષીઓને છોડી મૂક્યા હતા
બિલ્કિસબાનો
નવી દિલ્હી : ગુજરાતમાં ૨૦૦૨માં થયેલાં રમખાણોની પીડિત બિલ્કિસબાનોએ સુપ્રીમ કોર્ટમાં પુનઃવિચાર અરજી દાખલ કરી છે. બિલ્કિસે ૧૩ મેએ આવેલા કોર્ટના આદેશ વિશે ફરીથી વિચાર કરવાની માગણી કરી છે. આ આદેશના આધાર પર બિલ્કિસ સાથે સામૂહિક બળાત્કાર અને તેના પરિવારના સભ્યોની હત્યાના દોષીઓને છોડી દેવામાં આવ્યા હતા. આ અરજીને ચીફ જસ્ટિસ સામે મૂકવામાં આવી છે. તેમણે આ અરજીને યોગ્ય બેન્ચ સામે મૂકવાનું આશ્વાસન આપ્યું હતું.
૧૩ મેએ સુપ્રીમ કોર્ટની બેન્ચે એક દોષી રાધેશ્યામ શાહની અરજી પર ચુકાદો આપતાં કહ્યું હતું કે ‘તેમને સજા ૨૦૦૮માં મળી હતી એથી ૨૦૧૪માં ગુજરાતમાં બનાવવામાં આવેલા આકરા નિયમો લાગુ નહીં પડે, પરંતુ ૧૯૯૨ના નિયમ લાગુ પડશે. ગુજરાત સરકારે ૧૫ ઑગસ્ટે આ આધારે ૧૪ વર્ષની સજા કાપી ચૂકેલા ૧૧ દોષીઓને મુક્ત કર્યા હતા.
ADVERTISEMENT
બિલ્કિસબાનો તરફથી દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે જો કેસ મહારાષ્ટ્રમાં ચાલ્યો હોય તો નિયમ પણ ત્યાંના જ લાગુ પાડવા જોઈએ, ગુજરાતના નહીં. અત્યાર સુધી સુભાષિની અલ, રૂપરેખા વર્મા સહિત અન્ય નેતાઓ અને સામાજિક કાર્યકરો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યાં હતાં, જેની સુનાવણી ચાલી જ રહી હતી. હવે ખુદ બિલ્કિસબાનો કોર્ટમાં આવી છે.
સમગ્ર ઘટના ૨૦૦૨નાં ગુજરાતનાં તોફાનો દરમ્યાન દાહોદ જિલ્લાના રંધિકપુર ગામમાં બની હતી, જેમાં તોફાનીઓએ બિલ્કિસબાનો પર બળાત્કાર કર્યો તેમ જ તેની ત્રણ વર્ષની પુત્રી સહિત ૭ લોકોની હત્યા કરી હતી. આ કેસમાં ૨૦૦૮માં મુંબઈની સીબીઆઇ કોર્ટે ૧૧ લોકોને ઉંમરકેદની સજા આપી હતી.

